રસ્તા પર જામફળ વેચી રહેલી મહિલાના સ્વાભિમાનની પ્રશંસક બની પ્રિયંકા ચોપરા

મુંબઈ, દેશ અને દુનિયામાં કરોડો ચાહકો ધરાવનારી પ્રિયંકા ચોપરા એક સામાન્ય મહિલાના સ્વાભિમાનની પ્રશંસક બની છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર વિશાખાપટ્ટનમમાં રસ્તા પર જામફળ વેચતી મહિલા સાથેનો અનુભવ શેર કર્યાે છે.
સ્વનિર્ભર મહિલાના સ્વાભિમાનની પ્રશંસા કરતાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, કામ કરતી મહિલાને કોઈની દયા કે દાનની જરૂર નથી. રોડ પર જામફળ વેચીને ગુજરાન ચલાવતી સામાન્ય મહિલાના કારણે બુધવારનો દિવસ પ્રિયંકા માટે યાદગાર રહ્યો હતો.
પ્રિયંકાએ શેર કરેલો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. પ્રિયંકાએ આ વીડિયોમાં જણાવ્યું છે કે, આવું હું ક્યારેક જ કરું છું, પણ આજનો દિવસ ખૂબ પ્રેરણાદાયી રહ્યો છે. હું કારમાં વિશાખાપટ્ટનમ એરપોર્ટ જઈ રહી હતી અને ત્યાંથી મુંબઈની ફ્લાઈટ હતી. રસ્તામાં જામફળ વેચતી એક મહિલાને જોઈ હતી.
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે, મને કાચા જામફળ ખૂબ ભાવે છે. તેથી કાર રોકાવી હતી અને મહિલાને જામફળની કિંમત પૂછી હતી. તેણે રૂ.૧૫૦ કહ્યા હતા અને મેં તેને રૂ.૨૦૦ આપી જામફળ ખરીદ્યા હતા. મહિલાએ બાકીના રૂ.૫૦ પરત આપવા પ્રયાસ કર્યાે હતો, પરંતુ મેં તેને રૂ.૫૦ રાખી લેવા કહ્યુ હતું.
મહિલા જામફળ વેચીને ગુજરાન ચલાવી રહી છે. તે થોડીક દૂર ગઈ અને ટ્રાફિકનું રેડ સિગ્નલ ગ્રીન થાય તે પહેલાં દોડીને પાછી આવી. તેણે મને બે જામફળ ફરી આપ્યા હતા.કામ કરતી મહિલાને કોઈનું દાન ખપતું નથી. તેનું આ સ્વાભિમાન મને સ્પર્શી ગયું. પ્રિયંકાએ ફિલ્મના સેટ પરના ફોટોગ્રાફ શેર કરવાની સાથે જામફળના ફોટોગ્રાફ પણ શેર કર્યા હતા. પ્રિયંકા હાલ રાજામૌલિની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.
એસએસએમબી૨૯ તરીકે ઓળખાતી આ ફિલ્મમાં મહેશ બાબુ પણ લીડ રોલમાં છે. ફિલ્મમાં મહેશબાબુનું કેરેક્ટર ભગવાન હનુમાનથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આ મહત્ત્વકાંક્ષી ફિલ્મ બે ભાગમાં બની રહી હોવાનું કહેવાય છે અને તેનું કુલ બજેટ રૂ.૧૦૦૦ કરોડનું કહેવાય છે.
પ્રિયંકા આ ફિલ્મ સાથે તેલુગુ સિનેમામાં પાછી ફરી છે. ૨૩ વર્ષ અગાઉ તેણે રોમેન્ટિક ફિલ્મ અપુરુપમ કરી હતી. તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પુનરાગમનની સાથે પ્રિયંકાને એક યાદગાર અનુભવ પણ મળ્યો છે.SS1MS