ત્રણ વર્ષ બાદ સ્વદેશ પરત ફરી રહી છે પ્રિયંકા ચોપરા
મુંબઈ, સ્વદેશ અને પરિવારજનો પાસે પાછા આવવું તે વિદેશમાં વસતા દરેક ભારતીયો માટે ભાવુક કરનારી ક્ષણ હોય છે. દેસી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરા પણ હાલ કંઈક આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. વાત એમ છે કે, નિક જાેનસ સાથે લગ્ન કર્યા બાદ અમેરિકાના લોસ એન્જલસમાં જ સ્થાયી થઈ ગયેલી એક્ટ્રેસ આશરે ત્રણ વર્ષ બાદ મુંબઈ આવી રહી છે.
આ માટે તે ઉત્સાહિત છે અને ઈમોશનલ પણ. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે બોર્ડિંગ પાસની તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘આખરે…ઘરે જઈ રહ્યું છે.
આશરે ત્રણ વર્ષ બાદ’. આ સાથે તેણે ઈમોશનલ સ્માઈલી અને રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. કોરોના મહામારી બાદ આ તેની પહેલી ભારત યાત્રા હશે.
આ સિવાય દીકરી માલતી મેરી પણ પહેલીવાર ભારતની મુલાકાત લઈ રહી છે. પ્રિયંકા ચોપરા આ વર્ષના એપ્રિલમાં જ ભારત આવવાની હતી, પરંતુ તેમ થયું નહીં. એપ્રિલમાં તેણે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તેનું મગજ દરરોજ રાતે વેકેશન પર જાય છે, પરંતુ તે ભારત પરત જવા માટે અધીરી થઈ છે.
તેણે ઉમેર્યું હતું કે, ભારતના દરેક રાજ્યની પોતાની અલગ ભાષા છે, જેનો અર્થ અલગ-અલગ મૂળાક્ષરો, કપડાં, વસ્ત્રો, ખોરાક અને રજાઓ છે. તેથી ભારતમાં જ્યારે પણ એક સીમા પાર કરો ત્યારે નવા દેશમાં જવા સમાન છે. આ સાથે એક્ટ્રેસે તેમ પણ કહ્યું હતું કે, તે જ્યારે પણ ઘરે જાય છે ત્યારે વેકેશન અને ટ્રાવેલ માટે થોડો સમય કાઢી લેવાની ખાતરી કરે છે.
દીકરી માલતી મેરી નાની હોવાથી કોરોના મહામારીના કારણે પ્રિયંકા ચોપરા ભારતની મુલાકાત ટાળતી હતી. જાે કે, તેના મમ્મી મધુ ચોપરા અવારનવાર બંનેને મળવા જતા હતા.
દિવાળીની ઉજવણી પણ તેણે હાલમાં ત્યાં જ કરી હતી. એક્ટ્રેસે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તમામ મેચિંગ કપડાં પહેરીને સાથે મળીને પૂજા કરતાં દેખાયા હતા. આ સાથે તેણે તમામને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી.
પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની દીકરી જાન્યુઆરી, ૨૦૨૩માં એક વર્ષની થઈ જશે. આ વર્ષે સરોગસી દ્વારા કપલના ઘરે કિલકારી ગૂંજી હતી. દીકરી સાથે બંનેએ ઘણી તસવીરો શેર કરી છે, પરંતુ આજ સુધી ચહેરો દેખાડ્યો નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, એક્ટ્રેસે ‘સિટાડેલ’ થકી ઓટીટી વેબ શોમાં ડેબ્યૂ કરવાની છે.SS1MS