પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ની બીજી સિઝન ખોરંભે ચડી

મુંબઈ, પ્રિયંકા ચોપરાની લોકપ્રિય વેબ સિરીઝ ‘સિટાડેલ’ની બીજી સીઝન વર્ષ ૨૦૨૫માં રિલીઝ કરવાનું આયોજન હતું. બીજી સિઝનનું શૂટિંગ પૂરું થયા પછી પોસ્ટ પ્રોડક્શન હાથ ધરાયું હતું. જેના ભાગરૂપે શોના પ્રોડ્યુસર્સને બીજી સિઝનના એપિસોડ્સ બતાવાયા હતા.
પ્રોડ્યુસર એમેઝોન એમજીએમને બીજી સિઝન ખાસ પસંદ આવી નથી, જેના કારણે તેમણે રિલીઝ અટકાવી દીધી છે અને ‘સિટાડેલ’ની સ્પિનઓફ સિરીઝનું શૂટિંગ પણ અટકાવી દેવાયું છે. રિપોટ્ર્સ મુજબ, એમેઝોન એમજીએમ દ્વારા આ શોની બીજી સિઝન ૨૦૨૬માં લવાય તેવી વિચારણા છે. સ્પિન ઓફ સિરીઝ પણ પ્રોડ્યુસર્સને ખાસ પસંદ આવી નથી, જેના કારણે સ્પિન ઓફનું શૂટિંગ અટકાવી દેવાયું છે.
સ્પિન ઓફને આગળ ધપાવવી કે નહીં તે અંગે નિર્ણય લેતાં પહેલા ‘સિટાડેલ ૨’ની રિલીઝ સુધી રાહ જોવામાં આવશે. સ્પિન ઓફ સિરીઝમાં જોખમ જણાય તો તેને પડતી મૂકવા માટે પણ શોના મેકર્સ તૈયાર છે. ‘સિટાડેલ’ની પહેલી સિઝનમાં પ્રિયંકા સાથે રિચાર્ડ મેડ્ડનનો લીડ રોલ હતો.
૬ એપિસોડની પહેલી સિઝનને અત્યાર સુધીની સૌથી મોંઘી સિરીઝ માનવામાં આવે છે. પહેલી સિઝન ૨૮ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રિલીઝ થઈ હતી. તેમાં સ્ટેનલી ટુસ્સી, લેસલે મેનવિલ, એશલે કમિંગ્સ, રોનાલ્ડ મોલર અને રાહુલ કોહલી પણ મહત્ત્વના રોલમાં હતા.
બે એજન્ટ મેસન કેન (રિચાર્ડ) અને નાદિયા સિંહ (પ્રિયંકા)ની ફરતે સમગ્ર સ્ટોરી હતી. ગ્લોબલ સ્પાય એજન્સી સિટાડેલના પતન પછી તેઓ પોતાના યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે અને પાછલા જીવનની કોઈ ઘટના તેમને યાદ નથી.
પહેલી સીઝનનની સફળતા બાદ ‘સિટાડેલ ૨’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યુ હતું, જે નવેમ્બર મહિનામાં પૂરું થયું હતું. ‘સિટાડેલ’ના કેટલાક સ્પિન ઓફ શો પણ અંગ્રેજી સિવાયની ભાષા માટે જાહેર થયા હતા. તેને ભારત, સ્પેન, મેક્સિકો અને ઈટાલીમાં રિલીઝ કરવાનું આયોજન હતું.
ઈટાલિયન સિરીઝ ‘સિટાડેલઃ ડાયેના’ ઓક્ટોબર, ૨૦૨૪માં રિલીઝ થઈ હતી. ભારતમાં ‘સિટાડેલઃ હનીબની’ નવેમ્બર, ૨૦૨૪માં રિલીઝ થઈ હતી. જેમાં ડેવિડ ધવન અને સામંથા રૂથ પ્રભુના લીડ રોલ હતા.SS1MS