ન્યૂયોર્કમાં પ્રિયંકાની રેસ્ટોરાં બંધ થશે
મુંબઈ, પ્રિયંકા ચોપરાની નેયૂયોર્કમાં આવેલી રેસ્ટોરાં ‘સોના’ બંધ થવા જઈ રહી છે. આ રેસ્ટોરાં ભારતીય વાનગીઓને આધુનિક રીતે પીરસવા માટે જાણીતી હતી, જે હવે ૩૦ જૂને છેલ્લું ભોજન પીરસીને બંધ થશે. પ્રિયંકાએ બે મહિના પહેલાં આ રેસ્ટોરાંમાંથી પોતાની ભાગીદારી પાછી ખેંચી હતી.
હવે આ રેસ્ટોરાં બંધ કરવાના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવ્યા છે. રેસ્ટોરાં દ્વારા તેનું પ્રકરણ સમાપ્ત થવા અંગે ૧૯ જૂને એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું, “અમારા નોંધપાત્ર ત્રણ વર્ષની સેવાઓ બાદ, સોના બંધ થશે.
આ દરવાજાની અંદર જે પણ લોકો આવ્યા છે, તે દરેકના અમે આભારી છીએ. તમારી સેવા કરવી એ અમારું શ્રેષ્ઠ સૌભાગ્ય હતું. સોના દ્વારા ૩૦ જૂન, સન્ડેના દિવસે છેલ્લું બ્રંચ પીરસવામાં આવશે.” આ રેસ્ટોરાંનું ઉદઘાટન ત્રણ વર્ષ પહેલાં એક પૂજા કરીને કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાજર રહ્યાં હતાં.
આ રેસ્ટોરાંમાં મિન્ડી કેલિંગ, અનુપમ ખેર, વિકી કૌશલ, કેટરિના કૈફ સહીતના સેલેબ્રિટીઝે ભોજન લીધું હતું. આ રેસ્ટોરાંમાં ભારતના વિવિધ રાજ્યોની વાનગીઓ પીરસાતી હતી, જેમકે, કેરાલા રોસ્ટ ચિકન, પંપકીન કોફ્તા અને પનીર લબબાદાર. આ રેસ્ટોરાંના કોકેટલ પણ જાણીતાં હતાં.
પ્રિયંકાએ મહેશ ગોયલ સાથે મળીને ન્યૂયોર્કમાં આ રેસ્ટોરાં શરૂ કરી હતી. તે પોતાના સોશિયલ મીડિયા પર સોનાની સુંદર રીતે પીરસેલી વાનગોથી લઈને વાનગીઓનું વૈવિધ્ય તેમજ વોડકા પાણીપૂરી જેવા નવા પ્રયોગની ઝલક બતાવતી રહેતી હતી.
જોકે, આ રેસ્ટોરાં બંધ થવા પાછળનું કારણ હજુ જાહેર કરાયું નથી. ઉદ્ઘાટનનાં બે જ વર્ષમાં પ્રિયંકાએ ભાગીદારી રદ્દ કરતાં તેની અને ભાગીદાર મહેશ ગુપ્તા વચ્ચે ખટરાગની અફવાઓ ચાલી રહી હતી.
રેસ્ટોરાંના માલિક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રિયંકા ભલે આ બિઝનેસથી દૂર થઈ જાય પણ અહીંની એક એક વસ્તુ પર તેની છાપ રહેશે અને તે ભાગીદાર ન હોય તો પણ હંમેશા ‘સોના’ પરિવારનો એક હિસ્સો રહેશે. ૨૦૨૩માં પ્રિયંકાની ટીમ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, “‘સોના’ને અસ્તિત્વમાં લાવવું એ તેની કારકિર્દીની એક નોંધપાત્ર અને ગૌરવપૂર્ણ ક્ષણ હશે.
પ્રિયંકાએ હંમેશા ભારતીય સંસ્કૃતિને આગળ લાવવાની કોશિશ કરી છે, પચી તે ટીવી કે ફિલ્મ માટે સારી વાર્તા લાવવાની વાત હોય કે પછી સુંદર રીતે પીરસાયેલી ભારતીય વાનગી હોય.” એ વખતે મનીશે કહેલું કે પ્રિયંકા સાથે જોડાવું એ ‘સપનું સાકાર થવા જેવી વાત’ છે.
હવે તેના દ્વારા લોકોને કહેવામાં આવ્યું છે,“અમે તેની ભાગીદારી અને સહકાર માટે આભારી છીએ. હવે તે એક સર્જનાત્મક ભાગીદાર તરીકે સાથે નહીં હોય તો પણ તે સોના ફેમિલીનો ભાગ હશે, હવે અમે અમારું નવું પ્રકરણ આગળ વધારીશું.” પ્રિયંકા હાલ ‘ધ બ્લફ’ના શૂટમાં વ્યસ્ત છે અને સોશિયલ મીડિયા પર તેની અપડેટ શેર કરતી રહે છે.SS1MS