ચૂંટણીમાં સદભાવ જાળવવા માટે બહોળા જાહેરહિતમાં થયેલું જાહેરનામું યોગ્યઃ એચસી
અમદાવાદ, અમદાવાદમાં ધારા-૧૪૪ લાગુ હેઠળનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રાજકીય રેલી, સભા વગેરેમાં કાળા વાવટા ફરકાવવા કે ઉશ્કેરણીજનક બેનર્સ કે સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતા પોલીસ કમિશનરના નિર્ણયને પડકારતી રિટ પિટિશનને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે ફગાવી દીધી છે.
જસ્ટિસ નાણાવટીએ આદેશમાં નોંધ્યું છે કે,‘અમદાવાદ પોલીસ કમિશનરે તેમની વહીવટી સત્તા હેઠળ જાહેરનામું કર્યું છે. આગામી ચૂંટણીમાં સદભાવ અને સૌહાર્દભર્યું વાતાવરણ જાળવવાના આશય સાથે બહોળા હિતને ધ્યાનમાં રાખી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામું કોઇને પણ વિરોધ પ્રદર્શનની પ્રવૃત્તિ કરવાથી રોકતું નથી. પરંતુ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા માત્ર કાળા વાવટા, ઉશ્કેરણીજનક બેનર્સ અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકે છે. તેથી એને ગેરકાયદે ગણીને રદ કરી શકાય નહીં.’
આ કેસનો નિકાલ કરતાં જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ આદેશમાં નોંધ્યું હતું કે,‘પોલીસ કમિશનરના જાહેરનામાને ધ્યાને લેતાં સ્પષ્ટ થાય છે કે એ જાહેરનામું કોઇ રેલી કે સભા ઉપર પ્રતિબંધ મૂકતું નથી.
જોકે ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન કેટલાક લોકો અથવા તો જૂથ દ્વારા એક કે બીજા કારણે થતાં વિરોધ પ્રદર્શનો, કાળા વાવટા, સૂત્રોચ્ચાર અને ઉશ્કેરણીજનક બેનર્સ વગેરે દર્શાવવાના લીધે કાયદો વ્યવસ્થા જોખમાઇ શકે છે અને તેથી આવી કોઇ પણ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે અને નાગરિકોની સલામતી અને શાંતિપૂર્ણ ચૂંટણીના આયોજન માટે જાહેરનામું કરવામાં આવ્યું છે.
તેથી તેને બંધારણના અનુચ્છેદ ૧૯ હેઠળ મળેલી અભિવ્યક્તિ અને વાણી સ્વતંત્રતાનો ભંગ કહી શકાય નહીં. આ કેસમાં અરજદાર અર્જુનસિંહ ગોહિલ તરફથી એડવોકેટ સુધાંશુ ઝાએ હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરીને એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે,‘પોલીસ કમિશનરે ધારા ૧૪૪ની સત્તાની રૂએ ઉક્ત હુકમ કર્યો છે.
જેમાં ચૂંટણીમાં નીકળતી રેલી, સભા, સરઘસમાં કાળા વાવટા નહીં ફરકાવવા, ઉશ્કેરણીજનક બેનર, પ્લે કાર્ડ નહીં બતાવવા કે વિરોધમાં સૂત્રોચ્ચાર નહીં કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જોકે ધારા-૧૪૪ મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરેના અભિપ્રાય લેવાયા નથી. કટોકટીની કોઇ પરિસ્થિતિ ગુજરાતમાં નથી અને માત્ર અમદાવાદ માટે જ આ જાહેરનામું કરવામાં આવ્યું છે.SS1MS