૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી શરૂ થશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી કરાવશે ખરીદીનો શુભારંભ
ગુજરાતમાં ખરીફ પાકનું મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાક પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકોને ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.
રાજયમાં મગફળી, મગ, સોયાબિન અને અડદની ટેકાના ભાવે ખરીદી માટે બે કેન્દ્રીય નોડલ એજન્સી તરીકે નાફેડ (NAFED) અને એનસીસીએફ (NCCF)ને તેમજ બે રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ અને ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, ગાંધીનગરને જુદા-જુદા જિલ્લાઓ ફાળવવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં મગફળી માટે ૧૬૦, સોયાબીન માટે ૯૭, મગ માટે ૭૩ અને અડદ માટે ૧૦૫ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પાકોની નોંધણી અને વાવેતર વિસ્તારના આધારે મગફળી માટે ૭, સોયાબીન માટે ૬, અડદ માટે ૮ તેમજ મગ માટે બે ખરીદ કેન્દ્રો નકકી કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં મગફળી માટે રૂ.૬૭૮૩, મગ માટે રૂ.૮૬૮૨, અડદ માટે રૂ.૭૪૦૦ તેમજ સોયાબિન માટે રૂ.૪૮૯૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તા. ૦૯ નવેમ્બર સુધીની સ્થિતીએ મગફળી માટે ૩,૪૬,૬૯૯, મગ માટે ૭૪૫, અડદ માટે ૨૮૩ અને સોયાબીન માટે ૨૩,૧૯૬ ખેડૂતોની નોંધણી થઈ છે. સાથે જ, આ કેન્દ્ર ઉપર ખરીદી ૯૦ દિવસ સુધી ચાલશે, તેમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.
ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે. હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂતો આગામી તા. ૧૦ નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.