ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે કાર્યક્રમો યોજાયા
રાજપારડી ચાર રસ્તા સર્કલ ખાતે ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું
(પ્રતિનિધિ)ભરૂચ, ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. તાલુકાના મુખ્ય મથકો ખાતે આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ આદિવાસી દિન ઉજવણી સમિતિ દ્વારા પણ આદિવાસી દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આદિવાસી દિન નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાનો પૂજન કરી ઉજવણી કરી હતી.
રાજપારડી નગરમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ચાર રસ્તા ખાતે આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાનું ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
આજે ઠેરઠેર આદિવાસી દિવસની ઉજવણીનો માહોલ છવાયો છે.૯ મી ઓગસ્ટના દિવસને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ.
વિશ્વ આદિવાસી દિવસનો મુળ હેતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પર્યાવરણનું રક્ષણ કરવાનો રહ્યો છે.વર્ષ ૧૯૯૩ થી શરૂઆત થઈને દર વર્ષે ૯ મી ઓગસ્ટના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવાય છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે પ્રખર આદિવાસી જનનાયક બિરસા મુંડાને ખાસ યાદ કરાય છે.બિરસા મુંડાનો જન્મ ૧૫ મી નવેમ્બર ૧૮૭૫ ના રોજ થયો હતો.
બિરસા મુંડાને આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડા તરીકે યાદ કરે છે.તેઓ આદિવાસીઓના પ્રશ્નો બાબતે હંમેશ જાગૃત રહીને જીવનભર આદિવાસી સમાજના ગૌરવ અને રક્ષણ માટે કાર્યરત રહ્યા હતા.એક આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક તરીકે બિરસા મુંડાએ અંગ્રેજાે સામે મોટો સંઘર્ષ કરીને આદિવાસીઓને ન્યાય અપાવ્યો હતો.
આજરોજ ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા ખાતે આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગતના સમારોહમાં શાળાની બાળાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત જન સમુદાયે રસભેર માણ્યો હતો.
ઝઘડિયા ખાતેથી પસાર થયેલી રેલીમાં આદિવાસી સમાજના લોકો તેમના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં ગર્વ ભેર તીર કામઠુ રાખી આદિવાસી સમાજના નાયકોએ સમાજના ઉત્થાન માટે આપેલા બલિદાનનને યાદ કરી ગર્વની લાગણી અનુભવી હતી.