ગણેશ પ્રતિમા ૯ ફૂટથી વધુ ઉંચાઈની બનાવવા કે વેચવા પર પ્રતિબંધ

પ્રતિકાત્મક
જગ્યાની આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ મૂર્તિ રોડ પર જાહેરમાં ખુલ્લી જગ્યાએ રાખવી નહી અને વધેલી મૂર્તિઓ તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વડોદરા, આગામી તા.૧૯ થી ર૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ મહોત્સવમાં ગણેશજી ભગવાનની માટીની નવ ફુટથી વધારે ઉચાઈની મૂર્તિ તથા પીઓપીની પાંચ ફુટથી વધારે મૂર્તિ બનાવવા તથા વેચવા તેમજ સ્થાપના કરવા ઉપર ઈન્ચાર્જ પોલીસ કમિશનરે પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઉપરાંત પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુસર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડ સિવાયના જળસ્ત્રોતમાં વિસર્જન કરી શકાશે નહી.
તા.૧૯ સપ્ટેમ્બરથી ર૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશ મહોત્સવ દરમિયાન ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, જેની તૈયારીના ભાગરૂપે મૂર્તિકારો તરફથી પ્રતિમાઓ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે તેમાં પણ મોટી મોટી મૂર્તિઓની તૈયારીઓ માર્ચ મહિના પહેલા શરૂ કરી દેવામાં આવતી હોય છે.
તેવા સંજાેગોમાં વડોદરાના ઈન્ચાર્જ પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા ૩૧મી જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડીને કેટલાક પ્રતિબંધિત હુકમો જારી કરવામાં આવતા મૂર્તિકારો અને આયોજક મંડળોમાં વધુ એક વખત સન્નાટો પ્રસરી ગયો છે.
બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ ગણેશજીની માર્ટીની મૂર્તિની બેઠક સહિત નવ ફુટ કરતાં વધારે ઉંચાઈની મૂર્તિ બનાવવા તથા વેચવા તથા સ્થાપના કરવા તેમજ જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે
તેમજ ગણેશજીની પીઓપીની મૂર્તિઓ બેઠક સહિત પાંચ ફૂટથી વધારે ઉંચાઈની બનાવવા તેમજ વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉપરાંત નદી, તળાવ, સહિત કુદરતી જળસ્ત્રોમાં વિસર્જન કરવા પર પણ પ્રતિબંધ છે.
ઉપરાંત મૂૃતિકારો કે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે મૂર્તિઓ રાખે છે તે જગ્યાની આજુબાજુમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે કોઈપણ મૂર્તિ રોડ પર જાહેરમાં ખુલ્લી જગ્યાએ રાખવી નહી અને વધેલી મૂર્તિઓ તથા ખંડિત મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા કોઈપણ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા કે ખરીદવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.