દ્વારકા કોરીડોરનું કાર્ય આગળ વધારવા સાથે પ્રવાસન અને તીર્થ સ્થાનોના સર્વગ્રાહી વિકાસની નેમ : મુખ્યમંત્રી
આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જોડીને ‘બહુજન સુખાય બહુજન હિતાય’નો મંત્ર ચરિતાર્થ કરવો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આહુતિ આપી ધન્યતા અનુભવી
દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. Promotion of Dwarka Corridor along with holistic development of tourism and pilgrimage sites: Chief Minister
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે જી-૨૦ સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે.
આજ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે તેમાં પણ ‘બહુજન સુખાય બહુજન હિતાય’ સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોક સેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમને સાકાર કરવા સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરીને સંતો મહંતોના આશીર્વાદથી આપણે લોક કલ્યાણના કાર્યો કરવા છે.
ભગવાન શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
આ તકે શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત માધવાચાર્યજી મહારાજ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ધારાસભ્યશ્રી પબુભા માણેક, મહંતશ્રી નરસિંહદાસજી મહારાજ – ધ્રોલ, જગતગુરુ મહંતશ્રી અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંતશ્રી ૧૦૦૮ દિલીપદાસજી મહારાજ, અમદાવાદ સહિતના મહંતશ્રીઓ, કલેકટર શ્રી એમ.એ .પંડ્યા અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.