ગોમતીપુર વોર્ડમાં રોડ ઉપર પડેલા ખાડાઓને વૈજ્ઞાનિક ઢબે પુરવા રજુઆત
(પ્રતિનિધિ) અમદાવાદ, ગોમતીપુર વોર્ડમાં ચોમાસાને કારણે રોડ ઉપર મોટા ખાડાઓ પડવાથી વરસાદી પાણી ૦૩ થી ૦૪ દિવસ ભરાઈ રહેતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. કોર્પોરેશન દ્વારા પાણીમાં પોરા ઉત્પન્ન ન થાય તે માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. તો બીજી બાજુ કોમર્શીયલ એકમોમાં પોરા મળી આવે તો ભારે દંડ વસુલ કરે છે.
તેનાથી ન અટકતાં એકમો સીલ કરવામાં આવે છે. કોર્પોરેશન દવારા મોટી રકમનો ખર્ચ કરી કંટ્રોલ રૂમ શરૂ કરવા છતાં જવાબદાર અધિકારી/કર્મચારી રોગચાળા અંગેના કોઈ નકકર અહેવાલ રજુ કરતાં નથી અને કંટ્રોલની જે કામગીરી છે તે પણ સંતોષજનક નથી. ૧ ઈંચ જેટલો વરસાદ પડે તો પણ ભરેલા પાણીના ખાબચીયાનો નિકાલ કરવામાં નિષ્ફળ નિવડે છે.
વારંવાર રજુઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને વળી, કંટ્રોલમાં કોઈ એન્ડ્રોઈડ ફોન કે સ્માર્ટફોનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આ અંગે યોગ્ય સંકલન કરવામાં પણ મુશ્કેલીઓ ઉભી થવા પામે છે. જેથી આવા અધિકારી/કર્મચારીની જવાબદારી નકકી કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખના જણાવ્યા મુજબમાં તેમના વોર્ડમાં (૧) ઝુલ્તા મિનારા રોડ (૨) તુલ્સીપાર્ક પોલીસ ચોકીનો બાજુનો રોડ (૩) શકરા ધાંચી વાળો રોડ (૪) વિર ભગતસિંહ હોલ સામે ગોમતીપુર સર્કલ ડો.હરવાણીની હોસ્પિટલ સામેનો રોડ (૫) ગોમતીપુર ગામથી પાકવાડા સુધીનો રોડ (૬) રાજપુર ટોલનાકાથી મિલન ચોક (૭) હિરાલાલની ચાલીથી જીવરામ ભટ્ટની ચાલીનો રોડ
(૮) પટેલની ચાલી વાળો રોડ (૯) ઉષા ટોકીઝથી લાલ મિલ (૧૦) શાક માર્કેટ પાસે સર્કલ વાળો રોડ (૧૧) ફ્રેન્ડસ સ્કૂલ વાળો રોડ (૧૨) મદની મહોલ્લાથી ગોમતીપુર ગામ (૧૩) ગોમતીપુર ગામના ત્રણેય મેન રોડ (૧૪) સુખરામનગરથી ખાડાવાળી ચાલી વાળો રોડ (૧૫) મારવાડીની ચાલી થી ગુલશન બેકરી સુધીનો રોડ (૧૬) સુંદરમનગર અને વિશ્વનાથનગરના મેઈન રોડ (૧૭) નગરી મિલનો મેઈન રોડ
(૧૮) રાજપુર ચોકીથી આમ્રપાલી વાળો મેઈન રોડ તેમજ ગોમતીપુર વોર્ડમાં આવેલ અન્ય રોડ પર ગાબડા પડ્યા છે. જેની સમીક્ષા કરી જરૂરીયાત મૂજબ ચોમાસાને કારણે પડેલ ખાડાઓને ડામરપેચ અથવા વેટમિક્ષ નાંખી રોડનું આયુષ્ય વધુ તે મૂજબ વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક ખાડા પુરવામાં આવે તે જરૂરી છે.