લોસ એન્જેલસ સળગી રહ્યું છે તોફાનીઓ સામે ટ્રમ્પ આક્રમક

US પ્રમુખ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિનો વિરોધ જારી
૪૦ લાખની વસતી ધરાવતા લોસએન્જેલસમાં સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા ટ્રમ્પે ૩૦૦ નેશનલ ગાડ્ર્સને મોકલ્યા હતા
લોસ એન્જેલસ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિના વિરોધમાં લોસ એન્જેલસ ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો દિવસે-દિવસે વધુ ઉગ્ર બની રહ્યા છે. રવિવારે પ્રદર્શનકારીઓએ રસ્તા ચક્કાજામ કરી સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સને આગ લગાવતાં સુરક્ષા દળોએ ટીયર ગેસ, રબર બુલેટ્સ અને ફ્લેશ બેન્ગ્સનો ઉપયોગ કર્યાે હતો. સ્થિત કાબૂમાં લેવા ટ્રમ્પે નેશનલ ગાડ્ર્સની ટુકડીઓ મોકલી હતી, જેનો લોસ એન્જેલસના ગવર્નરે વિરોધ કર્યાે હતો અને આ પગલાને રાજ્યના સાર્વભૌમત્વ પર પ્રહાર સમાન ગણાવ્યુ હતું.
સ્થાનિક સમય પ્રમાણે રવિવાર સાંજ સુધીમાં મોટા ભાગના પ્રદર્શનકારીઓને વિખેરી નાખવામાં આવ્યા હતા અને પોલીસે આ પ્રદર્શનને ગેરકાયદેસર ગણાવ્યું હતું. વિરોધ પ્રદર્શન ચાલુ રાખનારા લોકોની અટકાયત કરી રસ્તાઓ ખાલી કરાવાયા હતા. પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં પથ્થરમારો થયો હતો. મોટા પથ્થરની આડશો મૂકવાની સાથે ઈલેક્ટ્રિક સ્કૂટર્સ તથા ફટાકડા સળગાવી પોલીસનો રસ્તો રોકવા પ્રયાસ થયો હતો. આ હિંસક વિરોધના પગલે પોલીસને ઓવરપાસ પર સંતાઈ જવાની ફરજ પડી હતી.
બેકાબૂ બનેલા ટોળા દ્વારા રમખાણોના પગલે પોલીસે ૨૭ તોફાનીઓની ધરપકડ કરી હતી. પોલીસ પર ક્‰ડ બોમ્બ ફેંકવાના અને પોલીસ પર મોટરબાઈક ચડાવી દેવાનો પ્રયાસ કરનારા આરોપીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ૪૦ લાખની વસતી ધરાવતા લોસએન્જેલસમાં સતત ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા ટ્રમ્પે ૩૦૦ નેશનલ ગાડ્ર્સને મોકલ્યા હતા. તેમને જોઈને પ્રદર્શનકારીઓમાં આક્રોશ વધ્યો હતો અને સ્થાનિક નિવાસીઓ પણ નારાજ થયા હતા. પ્રદર્શનકારીઓને ડાઉનટાઉન ખાતે ડીટેન્શન સેન્ટરમાં રખાયેલા છે. આ ડીટેન્સન સેન્ટર પર હુમલો રોકવા તથા સરકારી ઈમારતોને બચાવવા ગાડ્ર્સની ટુકડીઓ મોકલવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ નેશનલ ગાડ્ર્સની ટુકડીઓને નિશાન બનાવી હતી.
તેમની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો સાથે પ્રદર્શનકારીઓ ખૂબ નજીક પહોંચી ગયા હતા. તેમને વિખેરવા માટે ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. લોસ એન્જેલસ પોલીસે પણ ભીડને વિખેરવા માટે હથિયાર ચલાવવા પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, પહેલી રાત ખરાબ હતી, પરંતુ તે પછીના સમયમાં સ્થિતિ વધારેને વધારે કથળી રહી છે. પોલીસ પર ઘાતક દારૂગોળાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે મોતનું કારણ બની શકે છે. જો કે તોફાનીઓની સંખ્યા સતત વધી રહી છે અને તેમને રોકવાનું પોલીસ માટે પડકારજનક બની રહ્યું છે. SS1