પ્રોવિઝન સ્ટોર પર AMC તંત્રની તવાઈઃ 15 દુકાનોને સીલ કરાઈ
દક્ષિણ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૧પ એકમ સીલ ઃ ૧ર૮ને નોટિસ ફટકારાઈ-કસૂરવાર ધંધાર્થીઓ અને લોકો પાસેથી કુલ રૂ.૯૧,૪૦૦નો દંડ વસૂલાયો
અમદાવાદ, હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા બાદ અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી વધી ગઈ છે. શહેરના સાતેય ઝોનના તમામ ૪૮ વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સવારે અને સાંજે સ્પેશિયલ સ્કવોડ કાર્યરત કરીને જાહેર માર્ગ પર ગંદકી કે ન્યુસન્સ કરનારા અને તંત્રના નિયમોનું ઉલ્લંઘન કરનારા બેજવાબદાર નાગરિકોને દંડવાની કામગીરી સતત કરાઈ રહી છે.
આ ઉપરાંત તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાગૃતિ વધારવાના આશયથી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. શહેરના દક્ષિણ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ત્રાટકીને નિયમોનું ઉલ્લંઘન કરનારા કુલ ૧પ એકમને સીલ કરી દીધા હતા અને ૧ર૮ એકમને નોટિસ પણ ફટકારાઈ હતી.
દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી ડિરેકટરે જણાવ્યું છે કે, ઘણા લાંબા સમયથી ઝોનના અનેક નાગરિકો દ્વારા જાહેર માર્ગ પર ગંદકીનું પ્રમાણ વધી રહ્યું હોવાની ફરીયાદો અમને મળી હતી.
નવા વર્ષના પ્રથમ દિવસે જ સમગ્ર દક્ષિણ ઝોનના કુલ ૩૮પ જેટલા એકમોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ૧ર રહેણાક એકમ અને ૧૧૬ કોમર્શિયલ એકમના માલિકો દ્વારા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું માલૂમ પડયું હતું. આથી આ તમામ ૧ર૮ એકમને નોટિસ ફટકારવામાં આવી હતી.
તંત્રની વિવિધ ટીમો દ્વારા સમગ્ર ઝોનમાં હાથ ધરાયેલી કામગીરી હેઠળ કુલ ૪.પ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કામગીરીના કસૂરવાર ધંધાર્થીઓ અને લોકો પાસેથી કુલ રૂ.૯૧,૪૦૦નો દંડ વસૂલાયો હતો.
તંત્રએ ઈન્દ્રપુરી વોર્ડના ધનલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર, સપના પ્રોવિઝન સ્ટોર, પુષ્ટા પ્રોવિઝન સ્ટોર, ખોખરાના શાંતિનાથ પ્રોવિઝન સ્ટોર અને બેબુ ટી સ્ટોલ ઉપરાંત બહેરામપુરા વોર્ડના બે, વટવા વોર્ડના પાંચ, લાંભા વોર્ડના બે અને ઈન્દ્રપુરી વોર્ડના અન્ય એક એકમ સહિત કુલ ૧પ એકમને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સીલ કરી દીધા હતા.
આ ઉપરાંત શહેરના ઉત્તર ઝોનમાં પણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને પેપરકપ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પાનના ગલ્લા અને ચાની કીટલીઓ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની ટીમે ર.૩ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.
જીપીએમસી એકટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ અનુસાર શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા બેજવાબદાર ધંધાર્થીઓના કુલ ર૮૬ એકમને નોટિસ ફટકારવામાં આવી હતી અને કસૂરવારો પાસેથી રૂ.૬૬,૧૦૦નો દંડ વસૂલાયો હતો.
મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડના જુહાપુરા, નઈમપુરા અને બાકરોલ વિસ્તારમાં શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની સમજણ આપતી કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.