Western Times News

Gujarati News

આપણે સૌ એક માળાના પંખી છીએ તો આપણી સૌની જવાબદારી છે માળાની રક્ષા કરવાની

“આજે સંવાદિતા અને એકતા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ તેનો આશય એટલો જ છે કે બધા જ ધર્મો સાથે મળીને સમાજ સેવાનું કાર્ય કરે અને તેના માટે પ્રમુખસ્વામી મહારાજ નગરથી સારું સ્થળ બીજું કયું હોઈ શકે કારણ કે આ નગર એ “વસુધૈવ કુટુમ્બકમ” ને ઉજાગર કરતું નગર છે.

આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એ કહ્યું હતું કે,” જે જે માણસ પ્રમુખસ્વામી મહારાજ ને મળે તે “મહામાનવ” બની જાય છે.”

જ્યારે જ્યારે ૨ ધર્મના ગુરુ મળે છે ત્યારે બંને ધર્મના અનુયાયીઓ  વચ્ચેના સંબંધો ગાઢ બને છે. પ્રમુખસ્વામી મહારાજ જેરુસલેમ ગયા હતા ત્યાં તેઓએ પ્રાર્થના કરી હતી કે “અહી જે જે લોકો આવે અને પ્રાર્થના કરે તેના તમામ સંકલ્પો પૂરા કરે” કારણકે તેઓ પરદુઃખભંજન હતા.

આજે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ પર અનેક ધર્મો વચ્ચેની સંવાદિતા શક્ય બની છે કારણકે આજે જુદા જુદા ધર્મગુરુઓ એક સાથે આ મંચ પર બિરાજમાન છે. જે ધર્મના માર્ગે ચાલે છે તે સમાજમાં જરૂરથી શાંતિ સ્થાપી શકે છે.”

સાદીકવલ-આઇદિઝ-ઝહાબી ભાઈસાહેબ જલાલુદ્દીન, દાઉદી બોહરા સમાજ

“પ્રમુખસ્વામી મહારાજે તેમનું સમગ્ર જીવન સમાજસેવા માટે ન્યોછાવર કર્યું હતું જેની સાથે સાથે લોકોને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી હતી અને અન્યને પ્રેરણા આપી શકે તેવા સમાજનું નિર્માણ કર્યું છે.

જુદા જુદા ફળ ફૂલો વૃક્ષો એ ગાર્ડનની શોભા વધારે છે તે રીતે જુદા જુદા ધર્મો ભેગા થઈને સમાજ સેવાનું કાર્ય કરશે તો “વિવિધતામાં એકતા” નો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાશે. આજે હું મહંત સ્વામી મહારાજ ને મળીને અભિભૂત થયો છું.”

શ્રી બાવા જૈન, સેક્રેટરી જનરલ, વર્લ્ડ કાઉન્સિલ ઓફ રિલીજીયસ લીડર્સ

“મારા માટે આ ભાગ્યનો દિવસ છે કે અનેક ધર્મગુરુઓની વચ્ચે આવવાની તક મળી.

અહી પ્રમુખસ્વામી મહારાજ નગર  ૮૦,૦૦૦ સ્વયંસેવકો સેવા કરે છે અને તેમને જોઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ કહ્યું હતું કે હું પણ સ્વયં સેવક છું એ રીતે હું પણ સ્વયંસેવક નંબર ૮૦,૦૦૨ છું.

આ પ્રમુખસ્વામી મહારાજ ની ભવ્યતા અનોખી છે કારણકે રવિવારે ૨,૫૦,૦૦૦ માણસો આવ્યા નગર અને બધાને નાતજાતના ભેદભાવ વગર  અહી નગરમાં જમાડ્યા એનાથી વધારે સંવાદિતાનું મોટું ઉદાહણ બીજું શું હોઈ શકે?

મારા મતે પ્રમુખસ્વામી મહારાજ એ આધુનિક વિશ્વનાં વિશ્વકર્મા છે. યુનાઈટેડ નેશન્સનીની મિલેનિયમ સમિટમાં પ્રમુખસ્વામી મહારાજે આપેલા સંવાદિતાના સંદેશે દુનિયાભરમાં હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું.

મને આજે પણ પ્રમુખસ્વામી મહારાજે આપેલા આશીર્વાદની અનુભૂતિ થાય છે અને સદાય પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે જ છે તેવી અનુભૂતિ થાય છે.આજે પ્રમુખસ્વામી મહારાજ ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમની આઘ્યાત્મિક પરંપરા મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલુ જ છે એ જ આ સંસ્થાની વિશેષતા છે.”

પૂજ્ય શ્રી સદગુરુ ઉદયસિંઘજી મહારાજ, અધ્યક્ષ, નામધારી શીખ સમાજ

“આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે તેના માટે હું આપ સૌને ધન્યવાદ આપુ છું અને એવી પ્રાર્થના કરું છું કે તેમને શીખવેલા જીવનમૂલ્યો આપણાં સૌના જીવનમાં ચરિતાર્થ થાય અને વિશ્વમાં શાંતિનું વાતાવરણ સ્થપાય.

ભલે આપણાં સંપ્રદાય અલગ અલગ હશે પરંતુ આપનો ધર્મ એક જ છે તે છે સંવાદિતા. સાધુ સંતોના સમાગમથી માણસના જીવનની મનની બળતરા શાંત છે અને પ્રમુખસ્વામી મહારાજ એ પણ આપણને નિત્ય પ્રત્યે સંત સમાગમ કરવાનું કહ્યું છે જેથી આપણાં જીવનમાં શાંતિ રહે.

આજે મે પ્રદર્શનમાં જોયું કે પ્રમુખસ્વામી મહારાજ એ ગામડે ગામડે વિચરણ કરીને ભક્તોના મનોરથ પૂરા કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે તો મારા મતે એ જ સાચો ધર્મ છે.

આપણે જો બાળકોને શીખવાડીશું કે આપનો ધર્મ એક છે અને ભગવાન એક છે તો તે બાળકો ભવિષ્યમાં આદર્શ નાગરિક બનશે અને પ્રમુખસ્વામી મહારાજે બાળકોને એ જ સંસ્કાર આપ્યા છે જે વાતનો મને આનંદ છે.

પ્રમુખસ્વામી મહારાજનો જીવન સંદેશ આપ દુનિયાભરમાં પહોંચાડી શકો તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.”

 

પ્રો. ડૉ ચિરાપત પ્રપંડવિદ્યા, સ્થાપક, સિલ્પકોર્ન યુનિવર્સિટી, થાઈલેન્ડ 

“પ્રમુખસ્વામી મહારાજ નું જીવન, કાર્ય અને સંદેશાથી વિશ્વભરના દેશો અભિભૂત છે અને થાઇલેન્ડ દેશ પણ તેમાં બાકી નથી રહ્યો.

પ્રમુખસ્વામી મહારાજ નગર જોઈને હું બહુ જ અભિભૂત થયો છે અને ખાસ કરીને સ્વયંસેવકો નું સમર્પણ ખૂબ જ અદભુત છે અને આ નગર સાચા અર્થ માં સંવાદિતા અને એકતા નો સંદેશ આપતું નગર છે.”

આચાર્ય ડૉ. લોકેશમુનિજી, સ્થાપક પ્રમુખ, અહિંસા વિશ્વ ભારતી

પ્રમુખસ્વામી મહારાજ  એ સાચા અર્થમાં આધ્યાત્મિક સંસ્કૃતિ ના મહાન સૂર્ય હતા અને સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી તે રીતે પ્રમુખસ્વામી મહારાજ તેમના જીવન કાર્યો થી સદાય યાદ રહેશે.

આવા યુગપુરુષ હજારો વર્ષમાં ૧ વાર આ પૃથ્વી પર આવતા હોય છે. મારા અહોભાગ્ય છે કે હું ડલાસ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં તેમની સાથે રહેવાનું પ્રાપ્ત થયું હતું. પ્રમુખસ્વામી મહારાજ અનેક ધર્મો વચ્ચેની સંવાદિતાના  સેતુ હતા.

પર્યાવરણ પ્રદૂષણ કરતા પણ વધારે ખતરનાક પ્રદૂષણ વૈચારિક પ્રદૂષણ છે અને જો તે પ્રદૂષણ દૂર કરવું હશે તો આપને પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા રસ્તા પર અચૂક ચાલવું પડશે.પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદિરોએ આપણી ભારતીય સંસ્કૃતિનાં પ્રતિક છે.

પ્રમુખસ્વામી મહારાજને ભારત રત્ન , પદ્મભૂષણ , નોબેલ પ્રાઈઝ વગેરે આપીએ તો પણ ઓછું છે તેવું તેમનું જીવન અને કાર્ય છે.”

પૂજ્ય ભિખ્ખુ સંઘસેના, સ્થાપક પ્રમુખ, મહાબોધિ ઇન્ટરનેશનલ મેડિટેશન સેન્ટર(MIMC)

“સૌ પ્રથમ હું પ્રમુખસ્વામી મહારાજ ના ચરણકમળોમાં વંદન કરું છું અને સાથે સાથે પરમપૂજ્ય મહંતસ્વામી મહારાજના ચરણકમળોમાં વંદન કરું છું.

મારા માટે ભાગ્યની વાત છે કે આ અલૌકિક પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત કરવાની તક મળી અને સાચા અર્થમાં આ નગર શાંતિ અને સંવાદિતાનું પ્રતિક છે.

 

આજે હું નગરમાં આવીને પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોથી વધારે પરિચિત થયો છું  ૧-૨ દિવસ એ પૂરતા નથી આ નગર દર્શન કરવા માટે અને તેમાં દર્શાવેલા જીવનમૂલ્યો શીખવા.

મને આજે આ અદભુત પ્રમુખસ્વામી મહારાજ નગરના ૮૦,૦૦૦ સ્વયં સેવકો અને નગર દર્શન કરવા આવેલા જુદા જુદા ધર્મનાં લોકોને જોઈને “વસુધૈવ કુટુમ્બકમની” ભાવનાની અનુભૂતિ થઈ છે.

આજે આ સંતોને જોઈને તેમની સાદાઈ અને નમ્રતા ને વંદન કરવાનું મન થાય છે અને આવી સાદાઈ અને નમ્રતા માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે

આજે આ પ્રમુખસ્વામી મહારાજ નગર ને જોઈને અને અહી દર્શાવેલા જીવનમૂલ્યો નાં સંદેશોને જોઈને મને વિશ્વાસ છે કે ભારત દેશ સાચા અર્થ માં વિશ્વગુરુ બનશે અને બીએપીએસ સંસ્થાનો તેમાં અમૂલ્ય ફાળો રહેશે.”

રબ્બી એઝેકેઇલ આઇઝેક માલેકર, અગ્રણી, યહૂદી સમાજ, ન્યુ દિલ્લી

“સૌ પ્રથમ હું કહેવા માગું છું કે આજે હું અહી યહૂદી ધર્મગુરુ પછી છું પણ સૌ પ્રથમ હું એક ભારતીય છું અને ભારતીય તરીકે અહી આવ્યો છું અને ભારતનું પ્રતિનિધિત્વ કરું છું. પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવીને મારા આનંદનો પાર નથી રહ્યો

ગઈ કાલે હું અક્ષરધામ મંદિરમાં હતો અને આજે હું એ જ અક્ષરધામ સમાન પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યો છું. પ્રમુખસ્વામી મહારાજે માત્ર મંદિરો કે સંતોનું જ નિર્માણ નથી કર્યું પરંતુ સમાજસેવા , વ્યસનમુકિત અને આદિવાસીસમાજ ના ઉત્થાનનું મોટું કાર્ય પણ કર્યું છે.

આ પ્રમુખસ્વામી મહારાજ નગર ખરેખર સ્વર્ગ સમાન છે અને આજે પ્રમુખસ્વામી મહારાજ આપણને સૌને ઉપરથી આશીર્વાદ આપતા હોય તેવી અનુભૂતિ થાય છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને શત શત વંદન કરું છું અને તેઓ ૧૦૮ વર્ષ નું આયુષ્ય ભોગવે તેવી પ્રાર્થના કરું છું”

આર્કબિશપ થોમસ મેકવાન, આર્કડાયૉસેસ ઓફ ગાંધીનગર

“આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કારણકે આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આધ્યાત્મિકતાનો સાગર વહે છે અને તેની પાછળ આપ સૌનું અનોખું સમર્પણ અને પુરુષાર્થ છે.

પ્રમુખસ્વામી મહારાજ સદા ઈશ્વરની હાજરી માં જીવનાર સંત હતા અને તેમના માં સદાય ઈશ્વરનો પ્રાણ વસતો હતો. પ્રમુખસ્વામી મહારાજે ગામડે ગામડે વિચરણ કરીને લોકોને નીતિમત્તાના પાઠ શીખવ્યા છે અને બીજા માટે જીવવાનું શીખવ્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે,”જનસેવા કરતી વખતે આપણું હૃદય ભગવાનમાં રાખવું અને સારા પુસ્તકો ના વાંચનથી મન શાંત અને પવિત્ર બને છે.”

આદિવાસી વિસ્તારના માણસોને જોઈને પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે તમે તો ઈશ્વરના સૌથી નજીક ના માણસો છો , ભલે તમને લોકો પછાત ગણતા હોય પરંતુ મારા મતે તમારામાં ઈશ્વરનો સદાય વાસ છે.

પ્રમુખસ્વામી મહારાજનું જીવન જ તેમનો સંદેશો હતો.પ્રમુખસ્વામી મહારાજ જેટલા આધ્યાત્મિક હતા તેટલા જ વ્યવહારુ પણ હતા. પ્રમુખસ્વામી મહારાજ એ આપેલા ઉપદેશો અને મૂલ્યોનું પાલન કરીશું તો સાચા અર્થમાં ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકીશું.”

પદ્મશ્રી એ. આઈ. ઉદયન, ગાંધીપુરી આશ્રમ, ઈન્ડોનેશિયા

“આજે મે “ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ” શ્લોક નું ગાન કર્યું તે મને ૧૯૯૭ માં પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ માં શીખવ્યો હતો. ૮૦,૦૦૦ સ્વયંસેવકો એ સ્વર્ગનું નિર્માણ કર્યું છે અને હું પણ આજે અહીં સ્વયંસેવક નંબર ૮૦,૦૦૩ છું.

“છો જી અમારું જીવન , પ્રમુખસ્વામી છો જી અમારું જીવન” એ ભજન મને ખૂબ જ પ્રિય છે અને એ ભજન સાંભળીને પ્રમુખસ્વામી મહારાજ આપણી સાથે હોય તેવી અનુભૂતિ થાય છે.

અત્યાર સુધીમાં મે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને ભારત ભણવા મોકલ્યા છે અને તેમાંના ઘણા આજે અક્ષરધામ મંદિરમાં સેવા આપે છે.

મહંતસ્વામી મહારાજ બાલી પધાર્યા હતા અને બાલીની પ્રજાને આશીર્વાદ પણ આપ્યા હતા.આજે જકાર્તામાં  પણ બી. એ.પી એસનું હરિ મંદિર છે જે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવે છે.”

પૂજ્ય પરમાત્માનંદજી, સ્થાપક આચાર્ય, આર્ષ વિદ્યા મંદિર

“આજે વિશ્વ એકતા દિવસ છે અને જ્યાં એકતા હોય છે ત્યાં સુખ અને શાંતિ હોય છે અને આજે આ સ્વામિનારાયણ નગરમાં તેની અનુભૂતિ થાય છે.

માનવ સમાજમાં સંવાદિતા લાવવા માટે પરસ્પર આદર અને પરસ્પર પ્રેમ એ જરૂરી છે એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજ પણ કહેતા કે “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ સાચો ધર્મ” અને હું દ્રઢપણે માનું છું કે વિશ્વ સંવાદિતા દિવસ ને વિશ્વ પ્રમુખસ્વામી મહારાજે દિવસ તરીકે મનાવવો જોઈએ કારણકે તેઓ સાચા અર્થ માં કરુણામૂર્તિ સંત હતા.

પરોપકાર અને સમર્પણની ભાવના જો કોઈએ વિશ્વને શીખવી હોય તો તે પ્રમુખસ્વામી મહારાજે શીખવી છે અને ૮૦,૦૦૦ સ્વયંસેવકો તેનું ઉદાહરણ છે.પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં સંવાદિતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા અને તેમના જીવનમાં તે ચરિતાર્થ હતું.

યુનાઈટેડ નેશન્સની મિલેનિયમ પરિષદ માં પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતી માતૃભાષામાં પ્રવચન આપીને ભારતની સંસ્કૃતિનું દર્શન કરાવ્યું હતું.”

અબ્દુલ રહેમાન બુ અલી – મેનેજીંગ ડારેકટર એ આર બી ટ્રેડિંગ – બાહરીન

“પ્રમુખસ્વામી મહારાજ નું જીવન અદ્ભુત અને પ્રેરણાદાયક હતું અને આજે આપણે સૌ તેમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. હું પ્રમુખસ્વામી મહારાજને ૧ વાર મળ્યો હતો અને એ મુલાકાત મારા હૃદયની ખૂબ જ નજીક છે.

મારું સૌભાગ્ય છે કે આજે મને આપની સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવાની તક મળી છે. પ્રમુખસ્વામી મહારાજ નું સૂત્ર “બીજાં ના ભલામાં આપણું ભલું” એ સાચા અર્થમાં વિશ્વમાં સંવાદિતાની ભાવના જાગૃત કરે છે.

મહંતસ્વામી મહારાજને ભગવાન દીર્ઘાયુ અર્પે તેવી હું મનોકામના કરું છું. અબુધાબીનું બી એ પી એસ હિન્દુ મંદિર એ બંને દેશોની સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે.

પ્રમુખસ્વામી મહારાજ નું જીવન અને કાર્ય જોઈને બાહરીન માં પણ ૪ એકર જમીન બી.એ.પી એસ મંદિર નિર્માણ માટે આપવામાં આવી છે, ભલે અમારો દેશ નાનો છે પણ અમારું હૃદય વિશાળ છે.”

પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબજી, સ્થાપક, પારસધામ

“પ્રમુખસ્વામી મહારાજનું નામ ભલે પ્રમુખ હોય પરંતુ મુખ જેનું પ્રભુ મુખ સમાન હોય તેવા એ વિરલ સંત હતા. તેવું જ તેજ , દિવ્યતા અને તેવું જ પ્રભુ મુખ મહંતસ્વામી મહારાજ નું છે.

બી.એપી.એસના કોઈ પણ સંતોને મળીએ ત્યારે તેમની વિનમ્રતા મારા હૃદયને સ્પર્શી જાય છે અને પ્રમુખસ્વામી મહારાજે આપેલા દિવ્ય આધ્યાત્મિક વારસાનું દર્શન થાય છે.”

પ.પૂ. સ્વામી અવધેશાનન્દ ગીરીજી – મહામંડલેશ્વર – જૂના અખાડા

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આયોજન શૃંખલામાં આજનો સંવાદિતા દિવસ ખૂબ જ વિશેષ છે. “વિવિધતા માં એકતા” અને “સર્વે ભવન્તુ સુખીન:” એ આપણી ભારતીય સંસ્કૃતિ છે” અને આ સંસ્કૃતિ નું પોષણ અને સંવર્ધન નું કાર્ય પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં કર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજ એ પ્રેમ અને સેવાનો ધર્મ શીખવ્યો છે અને તેઓ હંમેશા અન્ય ના સુખની ચિંતા કરતા હતા. અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા વખતે પણ પ્રમુખસ્વામી મહારાજ સ્થિર રહ્યા હતા અને વિશ્વભરમાં શાંતિ માટે અપીલ કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજ એ સંસ્કારયુક્ત સમાજરૂપી વટવૃક્ષનું નિર્માણ કાર્ય કર્યું છે અને તેની ડાળીઓ છેક બાહરીન દેશ સુધી પહોંચી ગઈ છે.”

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, વર્તમાન ગુરુ, BAPS

“આજે સર્વધર્મ સંમેલનમાં પધારેલા તમામ ધર્મગુરુઓનાં ચરણોમાં વંદન કરું છું. અહી આવીને આપ સૌ એ આપની દિવ્ય વાણીનો લાભ આપ્યો તે માટે હું આપનો આભારી છું.

પ્રમુખસ્વામી મહારાજે યુનોમાં વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે “આજે વિશ્વમાં સંવાદિતા માટે તમામ ધર્મો એક થાય તે ખૂબ જ આવશ્યક છે” અને તેમનું સૂત્ર હતું “પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ”.

“જેમ ડાળીઓ અનેક હોય પરંતુ વૃક્ષ એક જ હોય છે તે રીતે ભલે આપણાં ધર્મ અલગ છે પરંતુ આપણે સૌ એક જ છીએ” જેમ ઓરડા જુદા જુદા હોય પરંતુ ઘર એક જ હોય છે તે રીતે ભલે આપણાં સંપ્રદાયો અલગ છે પણ આપને સૌ એક જ ભગવાનના પુત્રો છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.