BAPSના 80 હજાર સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે લાખ લાખ વંદનઃ ખોડલધામ નરેશ પટેલ
શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું, “આ મહોત્સવ ફક્ત વિશાળ તો છે જ, પરંતુ નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અને ૮૦,૦૦૦ સ્વયંસેવકોને તેમના સમર્પણ માટે મારા લાખ લાખ વંદન.
પ્રમુખસ્વામી મહારાજનું વ્યક્તિત્વ માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોના ભક્તોને સ્પર્શ્યું છે. ખોડલધામની શરૂઆત પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ સાથે જ કરવામાં આવી છે અને પ્રથમ શિલાનું પૂજન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ મંદિરમાં કર્યું હતું અને ખોડલધામ પર પ્રમુખસ્વામી મહારાજના ઘણા આશીર્વાદ છે.”
SMJV’s CKSVIM બિઝનેસ સ્કૂલના ફાઉન્ડર ડિરેક્ટર ડો. રાજેશ ખજૂરીયાએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત ૧૯૬૬ માં થઈ હતી અને તેમણે મારા મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને એ આશીર્વાદ સાથે મે મારા જીવનમાં પ્રગતિ કરી છે.
૧૧૦૦ થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે જેમાંથી १२५ થી વધારે મંદિરો માત્ર અમેરિકામાં છે. પ્રમુખસ્વામી મહારાજના ભક્તોમાં કરુણા અને નિઃસ્વાર્થ પ્રેમ જોવા મળે છે. પ્રમુખસ્વામી મહારાજે સૌને શ્રદ્ધાના પાઠ શીખવ્યા છે.”
બીજેપી રાજસ્થાનના સ્ટેટ જનરલ સેક્રેટરી શ્રી ચંદ્રશેખરજીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને ભારત દેશના આઝાદીના અમૃત મહોત્સવનું દર્શન આ ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થઈ રહ્યું છે.
આ પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શન કરીને અનુભૂતિ થઈ છે કે હજારો વર્ષો સુધી થયેલા આક્રમણોના લીધે ખંડિત થયેલી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય આ નગરમાં કરવામાં આવ્યું છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દૃશ્ય, શ્રાવ્ય,અનુભવ અને સાથ ના સુભગ સમન્વય દ્વારા અનેક લોકોના જીવન પરિવર્તન થશે એવું હું દ્રઢપણે માનું છું.”