અમદાવાદ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટનો બારોબાર વહીવટ કરતા જનમાર્ગના અધિકારી
કોર્પોરેશનનો કિંમતી પ્લોટ સ્ટેન્ડિંગની મંજૂરી વિના કોન્ટ્રાક્ટરને વિના મૂલ્યે આપ્યો
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખેડે તેની જમીન જોવો ઘાટ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનની અબજો રૂપિયાની જમીન પર ભૂ-માફિયાઓએ કબજો કર્યો છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંલગ્ન સંસ્થાઓએ પણ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ કેટલાક કોન્ટ્રાક્ટરોને બારોબર પધરાવી દીધા છે આવો જ એક કીમતી પ્લોટ જનમાર્ગ લિમિટેડ દ્વારા તેમના ઈ સવારી પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને વિનામૂલ્ય આપવામાં આવ્યો હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઇ-રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સદર પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટર દ્વારા નાગરિકોને તેમના ઘરેથી જનમાર્ગ બસ શેલટર સુધી લાવવામાં આવે છે જેના માટે પ્રતિ પેસેન્જર રૂપિયા ૧૦ નું ભાડું નક્કી કરવામાં આવ્યું છે હાલ આ પ્રોજેક્ટ નવા પશ્ચિમઝોનના વિસ્તારમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે
જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ૬૦ જેટલી ઇ- રીક્ષા લાવવામાં આવી છે સૂત્રોનું માનીએ તો જનમાર્ગ લિમિટેડ દ્વારા આ અંગે કોઈ ટેન્ડર મંગાવવામાં આવ્યા નહતા પરંતુ તેના માટે આરએફપી જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં વ્રજ શાહ નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે જનમાર્ગ અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલ કરાર મુજબ ઇ-રીક્ષાઓ પાર્ક કરવા માટેની વ્યવસ્થા જનમાર્ગ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
જેના માટે જનમાર્ગ લિમિટેડના ઉચ્ચ અધિકારીએ શિવરંજની ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ પ્લોટ કોન્ટ્રાક્ટરને આપ્યો છે અહીં નોંધનીય બાબત એ છે કે આ પ્લોટ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે ર્પાકિંગ પ્લોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તેમજ હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં પણ એનો ઉલ્લેખ છે તેમ છતાં લિમિટેડ એ અડધો પ્લોટ કોન્ટ્રાક્ટરને આપ્યો છે
પરંતુ એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટી તંત્રની સદંતર અવગણના કરવામાં આવી છે સામાન્ય નિયમ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોઈપણ પ્લોટ ની ફાળવણી કરવામાં આવે તો તેના માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ફરજિયાત છે પરંતુ આ કેસમાં અધિકારીઓએ સ્ટેન્ડિંગ કમિટી ની મંજૂરી લેવાનું મુનાશીબ માન્યું નથી.
વધુ ચોકાવનારી બાબત એ છે કે જનમાર્ગ લિમિટેડ એ સદર રિઝર્વ પ્લોટ કોઈપણ ભાડા લીધા વિના જ કોન્ટ્રાક્ટરને આપ્યો છે આમ, જનમાર્ગ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓએ કોર્પોરેશન પ્લોટ નો બારોબાર વહીવટ કરી કોન્ટ્રાક્ટરને તમામ રીતે ફાયદો કરાવ્યો છે.
અત્રે ઉલ્લેખ સે બાબતે છે કે જનમાર્ગની માફક ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પણ આ રીતે જ બારોબાર પ્લોટના વહીવટ કરવામાં આવી રહ્યા છે જેમાં સુપર સકર અને જેટિંગ મશીન ને મૂકવા માટે કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં અલગ અલગ સ્થળે વિનામૂલ્યે પ્લોટ ફાળવવામાં આવ્યા છે ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોના લાભાર્થે આ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાની કોઈ જ દરકાર કરી રાખી નથી પરંતુ બારોબાર ટેન્ડરમાં જ આ શરત ગોઠવી દેવામાં આવી છે જે નિયમ વિરુદ્ધ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.