Western Times News

Gujarati News

વિરમગામના 185 ગામના લોકો માટે જનસેવા કાર્યાલય ખુલ્લું મૂકાયું

મુખ્યમંત્રીના હસ્તે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્‌ઘાટન -મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે યુવાનોને ટેબ્લેટ અને પાંજરાપોળને અનુદાનના ચેક અર્પણ કરાયા

વિરમગામ, વિરમગામ વિધાનસભા વિસ્તારના ૧૮૫ ગામડાના લોકોને સરકારની યોજનાઓ વિશે માર્ગદર્શન મળે અને ધારાસભ્ય સાથે સીધો સંપર્ક સાધી શકાય તે ઉદ્દેશ્યથી નિર્મિત જનસેવા કાર્યાલયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું.

અહીં નિર્મિત જન સુવિધાઓને વખાણવાની સાથે તેમણે દૂર સુદુરથી રજૂઆત કરવા આવનાર લોકોના ભોજનની ચિંતા કરી વ્યવસ્થા કરવા બદલ મુખ્યમંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા.

વિરમગામમાં જનસેવા કેન્દ્રના ઉદ્‌ઘાટન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યમંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આવા જનસેવા કાર્યાલયો થકી સાકાર થઈ રહ્યો છે. જ્યારે જનતાને કામ પડે ત્યારે શોધવા ન જવા પડે તેને જ સાચો જનપ્રતિનિધિ કહેવાય.

શ્રી હાર્દિક પટેલ આવા જ જનપ્રતિનિધિ છે. વિરમગામના પ્રશ્નોને વિધાનસભાથી માંડીને મંત્રીઓ સુધી પહોંચાડવાનું કામ હાર્દિક પટેલ અસરકારકતાથી કરી રહ્યા છે. વિરમગામની સમસ્યાઓ ઉકેલ લાવીને સુવિધા આપવાની જવાબદારી અમારી સરકારની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસકાર્યો માટે ઉદાર હાથે ભંડોળ આપવાનો અભિગમ રહ્યો છે.

૨૦૧૦માં અમદાવાદ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે કાર્યરત હતા. ત્યારે તેઓ કહેતા કે નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામો પૈસાના કારણે અટકશે નહિ. વિકાસકાર્યો માટે તેમણે હંમેશા ઉદાર હાથે ભંડોળ આપ્યું છે. આજે એ જ રાહ પર અમારી સરકાર વિકાસકાર્યોને ગામડાઓ સુધી પહોંચાડવા કાર્યરત છે.

આ વર્ષે ઐતિહાસિક ૩ લાખ કરોડનું રજૂ થયેલું બજેટ એ વાતનું પ્રમાણ છે. તેમણે ઉમેર્યું કે ગુણવત્તાયુક્ત વિકાસકાર્યો કરવા સરકારની ઇચ્છાશક્તિની સાથે જનતાનો સહયોગ પણ અનિવાર્ય છે.

આ પ્રસંગે નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, મને વિશ્વાસ છે કે આ કાર્યાલય કેન્દ્ર અને રાજય સરકારની ૧૮૦ જેટલી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું પ્રબળ માધ્યમ બનશે. આ ઉપરાંત ડિજિટલ માધ્યમથી પણ લોકો સુધી પહોંચવા માટે એપ્લિકેશન બનાવવાના વિચારની પણ તેમણે પ્રશંસા કરી હતી.

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સ્વાગત ઉદબોધનમાં જણાવ્યું કે, આ કાર્યાલય માત્ર ધારાસભ્યને બેસવાની નહીં પણ લોકોના સપના અને પ્રશ્નોના નિરાકરણની જગ્યા છે. માંડલમાં ૧૬ કરોડથી વધુના ખર્ચે કોલેજનું નિર્માણ થશે, નળકાંઠાના ગામોમાં લો વોલ્ટેજનો પ્રશ્ન હતો જેનું ત્વરિત નિવારણ આવ્યું આમ રાજ્ય સરકારે વિરમગામના પ્રશ્નો માટે હંમેશા હકારાત્મક વલણ અપનાવ્યું છે.

આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે ૧૨ વિદ્યાર્થીઓને ટેબ્લેટ અર્પણ કરાયા હતા. સાથોસાથ ધારાસભ્ય હાર્દિક પટેલના સંકલ્પ અનુસાર તેમના વેતનમાંથી પાંજરાપોળને અનુદાનના ચેક અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલ,

પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠન ટીમ, તાલુકા – જિલ્લા સદસ્યો, કાઉન્સિલરો તેમજ ગુજરાતભરના વિવિધ મંદિર, મઠ અને ધાર્મિકસ્થાનોના સંતો-મહંતો, સામાજિક આગેવાનો અને વિરમગામના સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.