હિન્દૂ ધર્મસેના દ્વારા વેડચ અને સરભાણ ખાતે પૂજ્ય નૌતમ સ્વામીની ધર્મસભા યોજાઈ
સભામાં ભાજપના ઉમેદવારને જીતાડવા અપીલ કરાઈ
ભરૂચ, વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ૧૫૦ જંબુસર વિધાનસભાના ઉમેદવાર પૂજ્ય ડી.કે.સ્વામીને જીતાડવા માટે સંતો પણ મેદનમાં ઉતર્યા છે અને ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.તેમજ ગામડે ગામડે ફરી પ્રચાર કરી રહ્યા છે.૧૫૦ જંબુસર વિધાનસભાના ભાજપના ઉમેદવાર પૂજ્ય ડી.કે.સ્વામીના પ્રચાર અર્થે હિન્દૂ ધર્મસેના દ્વારા જંબુસર તાલુકાના વેડચ તેમજ આમોદ તાલુકાના સરભાણ ખાતે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય નૌતમ સ્વામીની ધર્મસભા યોજાઈ હતી.
સભાની શરૂઆત કરતા પહેલા સ્વામીએ ગર્વ સે કહો હમ હિન્દૂ હે હમે ગર્વ હે હમ હિન્દૂ હે ના સુત્રોચાર કરાવ્યા હતા. ત્યાર હિન્દૂ ધર્મસ્થાનોની જય બોલાવી હતી.સરભાણ ખાતે યોજાયેલી સભામાં લવ જેહાદ મુદ્દે સ્વામીએ તીખા પ્રવચન કર્યા હતા અને દિલ્લીમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.આ ઉપરાંત મોટા મોટા શહેરોમાં લાગુ કરવામાં આવેલો અશાંતધારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આવનારી શતાબ્દી હિન્દુઓની શતાબ્દી છે તેમ કોઈ બેમત નથી.જે ઇતિહાસને ભૂલી જાય છે તે માફ કરવાને લાયક નથી તેમ કહી તેમણે કટ્ટરવાદી મુઘલોએ હિન્દૂ રાજાઓ ઉપર કરેલા અમાનુસી અત્યાચાર વિશે જાણકારી આપી હતી.આ ઉપરાંત ભાજપની મોદી સરકારે હિન્દૂ ધર્મસ્થાનોનો ફરીથી જીર્ણોધ્ધાર કરી મંદિરોને દૈદીપ્યમાન કરી હિન્દૂ સંસ્કૃતિને ઉજાગર કરી હોવાનું જણાવ્યું હતું.ભાજપને હિંદુત્વના રક્ષણ માટે મત આપીને આશીર્વાદ આપી રહ્યા છે.
નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી.કે.સ્વામી કોઈ એક સમાજના સંત નથી પણ સર્વ સમાજના સંત હોવાનું કહી ભાજપના ઉમેદવારને મત આપવા હાજર લોકોને અપીલ કરી હતી.હિન્દૂ ધર્મસેના દ્વારા આયોજીત ધર્મસભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ, સદસ્ય સંજયસિંહ રાજ,જંબુસર શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પટેલ તેમજ ગ્રામજનો અને આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં હિન્દૂ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.