Western Times News

Gujarati News

પંજાબમાં ઠેર-ઠેર ખેડૂતોનું ચક્કાજામઃ ૧૬૭ ટ્રેનો રદ કરાઈ

ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યુંઃ પંજાબ સંપૂર્ણ બંધ

ચંડીગઢ, હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં સોમવારે ખેડૂતોએ પંજાબ બંધ પાળ્યો હતો. સવારે ૭ થી ૪ વાગ્યા સુધી ખેડૂતો ૧૪૦ જગ્યાએ હાઈવે અને રેલવે ટ્રેક પર બેઠા હતા.

આ દરમિયાન અમૃતસર-જાલંધર-પાનીપત-દિલ્હી અને અમૃતસર-જમ્મુ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ સહિત તમામ યુનિવર્સિટીઓએ આજે યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી.

પાક માટે એમએસપી ગેરંટી કાયદા સહિત ૧૩ માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પંજાબ બંધ છે. ખેડૂતોએ સવારે ૭ વાગ્યાથી ૧૪૦ જગ્યાએ હાઈવે અને રેલવે ટ્રેક બ્લોક કરી દીધા હતા. તેમાં અમૃતસર-દિલ્હી, અમૃતસર-જમ્મુ અને ફિરોઝપુર હાઈવે અને અન્ય રસ્તાઓનો સમાવેશ હતો.

અમૃતસર-દિલ્હી અને જલંધર-દિલ્હી નેશનલ હાઈવે પર ખેડૂતો બેઠા હતા. બજારની સાથે પેટ્રોલ પંપ તેમજ બસો પણ બંધ હતી. પંજાબ બંધને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, કર્મચારીઓ, વેપારીઓએ ટેકો આપ્યો હતો. રાજ્યમાં ૫૨ ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે ૨૨ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ૮ રાજ્યોમાં ૫૭૬ રૂટ પર દોડતી બસોના પૈડા થંભી ગયા હતા.

રેલવેએ વંદે ભારત સહિત કુલ ૧૬૭ ટ્રેનો રદ કરી હતી. યુપી, પૂણે, બિહાર અને કોલકાતા સહિતના અન્ય રાજ્યોના મુસાફરો રેલવે સ્ટેશનો પર પરેશાન જોવા મળ્યા હતા. જ્યારે ટ્રેન રદ કરવામાં આવી ત્યારે ઘણા મુસાફરોએ હોટલના રૂમ પણ બુક કરાવ્યા હતા.

ખેડૂત નેતા સરવણ પંઢેરે કહ્યું કે ઈમરજન્સી સેવાઓમાં કોઈ અડચણ આવવા દેવામાં આવશે નહીં. બીજી તરફ, પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ સહિત તમામ યુનિવર્સિટીઓએ આજે યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી હતી. તમામ જિલ્લાઓમાં પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ પર હતું.

પંજાબ બંધ સમેટાયા બાદ ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે લોકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે અમારે બળજબરીથી કોઈની દુકાન બંધ કરવાની જરૂર પડી નથી. તેમને વેપારી મંડળ, આડતિયા એસોસિએશન, કર્મચારીઓ, જૂથો અને તમામ યુનિયનોએ ટેકો આપ્યો હતો. લગભગ ૨૭૦ જગ્યાએ દેખાવો થયા. બંધ સંપૂર્ણ સફળ રહ્યો.

ગુરુદાસપુરમાં ખેડૂતોએ સવારથી જમ્મુ-અમૃતસર નેશનલ હાઈવે બંધ કરી દીધો હતો. બપોરે ખેડૂતોએ બીએસએફની ગાડીઓને અહીં અટકાવી હતી. આ પછી ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ ખેડૂતોને સમજાવીને ત્યાંથી બીએસએફના ગાડીઓને બહાર કાઢી હતી. ખેડૂતોએ મોહાલીમાં ચંદીગઢ-ખરર હાઈવે બ્લોક કરી દીધો હતો. ખેડૂતોએ તેમની બાઇકો હાઇવે વચ્ચે પાર્ક કરી હતી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.