પંજાબ હાઈકોર્ટના જજ વિરુદ્ધ CBI પૂરતા પુરાવા રજૂ કરી શકી નથીઃ કોર્ટ

જજ પર વર્ષ ૨૦૦૮માં લાંચ માંગવાના આરોપ મુકાયા હતા
આ મામલામાં લગભગ ૮૯ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા, ૧૨ સાક્ષીઓને બીજીવાર નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા
નવી દિલ્હી,પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એક જજ પર વર્ષ ૨૦૦૮માં લાંચ માંગવાના આરોપ મુકાયા હતા. આ મામલામાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટના જજ અલકા મલિકે ભૂતપૂર્વ જસ્ટિસ નિર્મલજીત યાદવને નિર્દાેષ જાહેર કર્યા છે. આ અંગે બચાવના પક્ષ વકીલ વિશાલ ગર્ગે જણાવ્યું કે આ મામલામાં કુલ પાંચ આરોપી હતા, જેમાંથી એકનું પહેલા મોત થયું હતું. પૂર્વ જસ્ટિસ અને અન્ય ચારને આજે કોર્ટે નિર્દાેષ જાહેર કર્યા છે. આ પહેલા સીબીઆઈ કોર્ટે ગત ગુરુવારે પૂર્વ જસ્ટિસ નિર્મલજીત યાદવની સામે સીબીઆઈ તરફથી નોંધાયેલા કેસના મામલામાં અંતિમ દલીલો સાંભળી હતી અને ચુકાદો ૨૯ માર્ચે આપવાનું નક્કી કર્યું હતું. આજના ચુકાદામાં સીબીઆઈની કોર્ટે કહ્યું કે, આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી.
સાથે જ મુખ્ય સાક્ષીઓ કોર્ટમાં પહેલા દિવસે જ પોતાના નિવેદનથી ફરી ગયા હતા. જેના કારણે કેસ નબળો થઈ ગયો. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે, સીબીઆઈ એ નક્કર ડિઝિટલ કે દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી. હકીકતમાં, ૧૭ વર્ષ પહેલા ખોટી ડિલીવરીને લીધે લાંચનો સામલો સામે આવ્યો હતો. જસ્ટિસ નિર્મલજીત કૌર ૨૦૦૮માં ફક્ત ૩૩ દિવસ પહેલાં જ હાઈકોર્ટના જજ બન્યા હતા. તેમના ઘરના દરવાજા પર અચાનક નોટોથી ભરેલું બંડલ પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ તેમને આ અંગે કોઈ જાણકારી ન હતી. એવામાં તરત જ તેમણે પોલીસને જાણ કરી અને આ રીતે લાંચના મોટા ષડયંત્રનો ખુલાસો થયો હતો.
દરવાજા પર રોકડના મામલાને લઈને કેટલાક સમય પછી નિવૃત્ત થનારી જસ્ટિસ નિર્મલજીત યાદવ પર આક્ષેપ થયા હતા. જસ્ટિસ યાદવ અને હરિયાણાના એડિશનલ એડવોકટ જનરલ સંજીવ બંસલ પર કેસ નોંધાયો હતો. બંસલનું કેટલાક વર્ષાે પછી મોત થયું હતું. આ દરમિયાન, કેટલાય જજ બદલાઈ ગયા. આ મામલામાં લગભગ ૮૯ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ૧૨ સાક્ષીઓને બીજીવાર નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.