આઈપીએલમાં પંજાબ મોખરે પહોંચી ગયું, મુંબઈ ઈન્ડિયન્સ સામે ભવ્ય વિજય

લખનૌ, પ્રિયાંશ આર્યા અને જોશ ઇંગ્લિસની આક્રમક અને અડિખમ બેટિંગની સહાયથી પંજાબ કિંગ્સે સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે સાત વિકેટથી વિજય હાંસલ કરીને પોઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન હાંસલ કરી લીધું હતું.
આમ તે હવે ક્વોલિફાયર-૧માં રમશે તે નિશ્ચિત થઈ ગયું છે. આ વિજય સાથે પંજાબના ૧૯ પોઇન્ટ થયા છે અને તેના કરતાં આગળ કોઈ નીકળી શકે તેમ નથી.અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૪ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં પંજાબ કિંગ્સે ૧૮.૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો.
મેચ જીતવા માટે ૧૮૫ રનના ટારગેટ સામે રમતાં પંજાબ કિંગ્સે પહેલી વિકેટ તો પાંચમી ઓવરમાં જ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર બાદ ઓપનર પ્રિયાંશ આર્યા અને જોશ ઇંગ્લિસે ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી.
બંનેએ ૬૧ જ બોલમાં ૧૧૧ રનની ભાગીદારી નોંધાવી દીધી હતી. પ્રિયાંશ આર્યા બંનેમાં પહેલો આઉટ થયો હતો. તેણે માત્ર ૩૫ બોલમાં બે સિક્સર અને નવ ચોગ્ગા સાથે ૬૨ રન ફટકાર્યા હતા.જોશ ઇંગ્લિસે આક્રમક બેટિંગ કરવાની સાથે સાથે મુંબઈના ખ્યાતનામ બોલર્સનો સાવચેતીપૂર્વક સામનો કર્યાે હતો.
તેણે ૪૨ બોલમાં ત્રણ સિક્સર અને નવ ચોગ્ગા સાથે ૭૩ રન ફટકાર્યા હતા.અગાઉ પંજાબે ટોસ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી હતી. રાયન રિકેલ્ટન અને રોહિત શર્માએ ઝડપી બેટિંગ તો કરી હતી પરંતુ લાંબી ઇનિંગ્સ રમી શક્યા ન હતા.
રિકેલ્ટન પાંચ ચોગ્ગા સાથે ૨૭ રન ફટકારીને આઉટ થયો હતો તો દસમી ઓવરમાં હરપ્રિત બ્રારનો શિકાર બનતા અગાઉ રોહિત શર્માએ ૨૧ બોલમાં ૨૪ રન ફટકાર્યા હતા. રોહિત શર્મા દસ ઓવર બેટિંગ કરે તેમ છતાં ૨૫ના આંકને પણ વટાવી શકે નહીં તે પંજાબના બોલર્સની કમાલ રહી હતી.SS1MS