રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા પુતિન માની ગયા

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ૩૦ દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે, રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર ૩૦ દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે.
જોકે, આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકવા માટે રશિયા-યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે. આ તમામ શરતોને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને માનવી પડશે.
અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી વાતચીત બાદ આ શરતો પર સંમતિ બની છે. વળી, આ કરાર હેઠળ યુદ્ધ વિરામને પ્રભાવી બનાવવા માટે અને શાંતિની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલા-બદલીની સંમતિ બની ચુકી છે. બંને દેશોના ૧૭૫-૧૭૫ બંધકો મુક્ત કરવામાં આવશે.
આ સિવાય, રશિયાએ સદ્ભાવના દર્શાવતા ૨૩ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત સૈનિકોને કીવને સોંપવાનો નિર્ણય લીધો છે. આ પગલાને શાંતિ વાર્તા આગળ વધારવા માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કેદીઓની મુક્તિ થવાથી બંને દેશો વચ્ચે વિશ્વાસ વધશે અને સંઘર્ષ વિરામના સ્થાયી સમાધાન તરફ એક મજબૂત આધાર તૈયાર થશે.
રશિયા અને યક્રેન વચ્ચે બ્લેક સીમાં ચાલી રહેલાં તણાવને ઓછો કરવા માટે પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને બ્લેક સીમાં વ્યાપારિક જહાજો અથવા અન્ય સમુદ્રી સંપત્તિઓ પર હુમલો ન કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણયથી બ્લેક સીના માધ્યમથી થતો વૈશ્વિક વ્યાપાર સુરક્ષિત રહેશે અને યુક્રેનને જરૂરી સામાન અને સૈન્ય સહાય પૂરી પાડી શકાશે.
હાલ, ૩૦ દિવસો માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ, તેના સ્થાયી સમાધાન માટે રશિયા અને યુક્રેન વચ્ચે આગળ હજુ ઊંડાણપૂર્વક વાતચીત થશે. આ મુદ્દાને લઈને રશિયા અને અમેરિકાએ એક સંયુક્ત નિષ્ણાત સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે, જે યુદ્ધવિરામને સ્થાયી રૂપે લાગુ કરવા માટે સમાધાન શોધશે.
આ કરાર હેઠળ યુક્રેનને કોઈપણ પ્રકારની નવી સૈન્ય ભરતી રોકવી પડશે અને હથિયારો ભેગા કરવાનું પણ બંધ કરવું પડશે. યુદ્ધ દરમિયાન રશિયા અને યુક્રેન એકબીજાના ઊર્જાના મુખ્ય માળખા પર હુમલો કરતા હતાં. હવે પુતિન અને ઝેલેન્સ્કી એ વાત પર સંમત છે કે, ઊર્જા વિસ્તાર પર હુમલાને સંપૂર્ણરીતે રોકી દેવામાં આવે.
આ કરારનો ઉદ્દેશ યુક્રેન અને રશિયા બંનેની અર્થવ્યવસ્થા સ્થિર બનાવવા અને યુરોપમાં ઊર્જા સંકટને ઓછો કરવાનો છે. રશિયા અને અમેરિકા આ મામલે એક લાંબા ગાળાના ઊર્જા કરાર પર કામ કરશે, જેનાથી ભવિષ્યમાં ઊર્જા સેક્ટરને સુરક્ષિત કરી શકાય.SS1MS