ઘઉંનો જથ્થો ઘટયોઃ મફતનું સરકારી અનાજ બંધ થવા આશંકા
દેશમાં સરકારી ગોદામોમાં ઘઉંનો જથ્થો ઘટી ગયો-પહેલીવાર ગત ૧ જુલાઇના રોજ ઘઉંનો બફર સ્ટોક આવશ્યક જરૂરિયાતના જથ્થાની નજીક આવી ગયું છે
નવી દિલ્હી, ભારતમાં સરકારી ગોદામોમાં રહેલો ઘઉંનો જથ્થો ઘટીને ૧ જુલાઇના રોજ તેની થ્રેશોલ્ડ લીમીટ એટલે કે બફર માટે આવશ્યક સ્તરની અત્યંત નજીક આવી ગયો છે. વર્ષ ૨૦૨૧-૨૨ના પાક માર્કેટિંગ વર્ષમાં ઘઉં ઉત્પાદન ઓછું થવાને કારણે સરકારી પ્રાપ્તિ ઘટવાને કારણે તેનો બફર સ્ટોક ઘટ્યો છે.
જાે કે બીજી બાજુ ચોખાનો બફર સ્ટોક અને આવશ્યક જથ્થો નિર્ધારિત આવશ્યક સ્તર કરતા ૧૩૪ ટકા વધારે હતો. સામાન્ય રીતે દર વર્ષે ૧લી જુલાઇના રોજ ઘઉંનો જથ્થો સૌથી વધારે રહેતો હોય છે કારણ તેની પૂર્વેના એપ્રિલ, મે અને જૂન દરમિયાન ઘઉંની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સરકારી દ્વારા જંગી પ્રાપ્તિ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે પ્રાપ્તિ અત્યંત ઓછી રહી છે.
નવા આંકડાઓ મુજબ ૧લી જુલાઇના રોજ ભારત પાસે ૮૩૩.૯ લાખ ટન ખાદ્યાન્ન (ઘઉં અને ચોખા) હતુ, જે વર્ષ ૨૦૧૯ પછી સૌથી ઓછું છે. જેમાં કેન્દ્રીય પુલમાં લગભગ ૨૮૫.૧ લાખ ટન ઘઉંનો જથ્થો હતો. જ્યારે નિયમ અનુસાર આ તારીખે બફર અને આવશ્યક જથ્થો ઓછામા ઓછા ૨૭૫.૮ લાખ ટન હોવો જાેઇએ, આમ હાલ જથ્થો માત્ર ૧૦ લાખ ટન વધારે છે.
ખાદ્યાન્નનો જથ્થો ઘટવાના પગલે સરકાર મફત અનાજનું વિતરણ બંધ થવાની આશંકા સેવાઇ રહી છે. આ અગાઉ વર્ષ ૨૦૦૮માં કેન્દ્રીય પૂલમા ઘઉંનો જથ્થો આવશ્યક સ્તર કરતા ઓછો રહ્યો હતો અને ૧ જુલાઇએ માત્ર ૨૪૯.૧ લાખ ટન હતો. આંકડાઓ મુજબ ૧લી જુલાઇ ૨૦૧૫માં સ્ટોરેજના નિયમો બદલ્યા બાદ પહેલીવાર ગત ૧ જુલાઇના રોજ ઘઉંનો બફર સ્ટોક આવશ્યક જરૂરિયાતના જથ્થાની નજીક આવી ગયુ છે.
ઘઉંથી વિપરીત કેન્દ્રીય પૂલમાં લગભગ ૩૧૫ લાખ ટન ચોખાનો જથ્થો છે જે તેના આવશ્યક સ્તર કરતા ૧૩૫ લાખ ટન વધારે છે. જેમાં રાઇસ મિલો પાસે રહેલો ૨૩૧.૫ લાખ ટન ડાંગરનો જથ્થો સામેલ નથી, જે ૨૦૧૫ પછી સૌથી વધારે છે.
ચાલુ નાણાંકીય વર્ષે સરકાર દ્વારા ઘઉંની પ્રાપ્તિ ૫૯ ટકા ઘટીને ૧૮૭.૮ લાખ ટન રહી છે.
સરકારના ત્રીજા અનુમાન મુજબ દેશમાં જૂનમાં સમાપ્ત પાક સીઝન ૨૦૨૧-૨૨ દરમિયાન ઘઉંનું ઉત્પાદન ૧૦૬૪.૧ લાખ ટન થયુ છે જે ગત વર્ષ કરતા ૩૮ લાખ ટન ઓછો પાક છે.