R.S.દલાલ હાઈસ્કુલના નવનિર્માણ પામનારા શાળા સંકુલ અને ધ્વનિ બધિર વિદ્યાલયનું શિક્ષણ મંત્રીના હસ્તે ભૂમિપૂજન
ભરૂચ: નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ સંચાલિત આર.એસ.દલાલ હાઈસ્કુલના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જુના આચાર્ય નિવાસ સ્થળે નવનિર્માણ પામનારા શાળા સંકુલનું ભૂમિપૂજન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાના વરદહસ્તે કરવામાં આવી હતી.આ શુભ અવસરે સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધ્વનિ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ધ્વનિ બધિર વિદ્યાલયનું પણ મંત્રીઓના હસ્તે ઈ-શિલાન્યાસ કરાયું હતું.ભરૂચના તત્કાલિન ભામાશા,શિક્ષણપ્રેમી,પારસી સદગૃહસ્થ સ્વ.રૂસ્તમજી સોહરાબજી દલાલના પરિવાર દ્વારા ઈ.સ ૧૮૪૯ માં ૧૭૦ વર્ષ પૂર્વે ભરૂચમાં સ્થાપિત અને ઐતિહાસિક ધરોહર સમાન આર.એસ.દલાલ હાઈસ્કુલનું મકાન બનાવ્યું હતું. આ સરસ્વતી ધામમાં અસંખ્ય સરસ્વતી ઉપાસકોએ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.ગુજરાતી અસ્મિતાના પ્રેરક, અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા કનૈયાલાલ મુનશી જેવા સરસ્વતિ સાધકો,વિદ્યાર્થી રત્નો અને અસંખ્ય સરસ્વતી ઉપાસકોએ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
આ પ્રસંગે પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાના પ્રવચનની શરૂઆત કરતાં પહેલાં કાર્યક્રમમાં ઉપસ્થિત ૯૮ વર્ષિય સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણવિદ પુષ્પાબેન પટેલને શાલ ઓઢાડી નતમસ્તકે વંદન કરી સન્માન કરતાં જણાવ્યું કે, સમાજને વડીલો તેમજ મહિલાઓ આકાશ નીચેના સ્તંભ જેવા મળ્યા છે.સમાજમાં શિક્ષણ સિવાય નહિ ચાલે, આ એક જ કામગીરી એવી છે જેના પર સમાજ ટકેલો છે.તેમણે ઉમેર્યુ હતું કે, કંકરમાંથી શંકર બનાવવાની તાકાત શિક્ષણમાં હોવાથી સમાજ માટે શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત બની ગઈ છે.
નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આર.એસ.દલાલ ગવર્મેન્ટ હાઈસ્કુલના નવનિર્માણ પામનારા શાળા સંકુલની જે જવાબદારી લીધી છે તેને બિરદાવવા પાત્ર છે.આજે એક શિક્ષક સમાજને એન્જીનિયર,ડોકટર,વેપારી,વકીલ,ઉચ્ચઅધિકારી કે રાજકારણી બનાવી શકશે પરંતુ આ બધા ભેગા થઈને એક શિક્ષક બનાવી શકશે નહિ.તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવ શરૂ કર્યું.તેમની દીર્ઘદ્રષ્ટિને કારણ આજે શાળામાં બાળકોનું નામાંકન સો ટકા સુધી પહોંચાડવા સફળતા મળી છે.
સાંપ્રત સમયમાં સમાજમાં બની રહેલી આત્મહત્યા, રેપ જેવા ગુન્હાખોરી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તે માટે સમાજે આ દિશામાં ચિંતન કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.જ્યા સંસ્કાર વગરનું શિક્ષણ મળે છે ત્યાં બુરાઈઓ અને બદીઓ આવે છે. નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા માત્ર મકાન ન બને, એક મંદિર બને, શિક્ષણનું મંદિર બને, મા સરસ્વતીનું મંદિર બને ત્યારે શિક્ષણ સાથે સંસ્કાર પણ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે વર્ષો પહેલાં ભરૂચ બંદર તરીકે ધમ-ધમતુ હતું ત્યારે ઈ.સ.૧૮૪૯ માં સ્વ. રૂસ્તમજી દલાલ દ્વારા આ શાળા સંકુલનું નિર્માણ થયું હતું. તેમણે નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટને બિરદાવતાં ૧૭૦ વર્ષથી ચાલતી આ શાળાનું નામ ભવિષ્યમાં આવનારા દિવસોમાં રોશન થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉપસ્થિતિ મહેમનાઓ એ આર.એસ.દલાલ હાઈસ્કુલની ઐતિહાસિક ગાથા રજૂ કરી હતી.તેમણે ધ્વનિ બધિર વિદ્યાલયની પણ જરૂરી માહિતી પુરી પાડી હતી અને સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે આર.એસ.દલાલ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. કાર્યક્રમના પ્રારંભે નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના ચેરમેન નરેશ ઠક્કરે સ્વાગત પ્રવચન કરી સંસ્થાની આછેરી ઝલક આપી હતી.કાર્યક્રમમાં ધ્વનિ બધિર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક રજૂ થયું હતું અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃત્તિક રજૂ થયા હતા.
આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, જી.એ.સી.એલ ના એમ.ડી પી.કે.ઘેલા, નગર પાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ટ્રસ્ટના એમ.ડી અને સામાજિક કાર્યકરતા ધનજીભાઈ પરમાર સહિત આગેવાન પદાધિકારીઓ, અધિકારીઓ,શિક્ષકો,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું.