“રોજગારી ન આપી શકે તેવો જાેબલેસ ગ્રોથ શું કામનો”
યુવાનોમાં સ્કીલ વધારવા પર અને એજ્યુકેશન પર ફોકસ કરવો પડશે: સર્વિસ સેક્ટર પર ભાર મુકો: રઘુરામ રાજન
નવી દિલ્હી, રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને ભારતના આર્થિક વિકાસના વાસ્તવિક પરિણામો સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઝડપી આર્થિક વૃદ્ધિના વખાણ કર્યા છે, પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે દેશમાં રોજગારીની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આર્થિક ગ્રોથના ફળ ચાખવા નહીં મળે.
તેમણે કહ્યું કે ભારતનો વિકાસદર ઝડપી છે અને સતત આગળ વધી રહ્યો છે તે બહુ સારી વાત છે, પરંતુ રોજગારીના મુદ્દે હજુ આપણે ઘણું કરવાનું બાકી છે. જાેબલેસ ગ્રોથ ભારત માટે સારી બાબત નથી.
ભૂતકાળમાં પણ તેમણે કહ્યું હતું કે ભારતમાં રોજગારીમાં વધારો નહીં થાય તો આપણે યુવાન પેઢીને નિરાશ કરીશું. રોજગારી વધારવા માટે યુવાનોમાં સ્કીલ વધારવા પર અને એજ્યુકેશન પર વધારે ફોકસ કરવો પડશે. આજે મેડિકલ એજ્યુકેશન માટે મોટી સંખ્યામાં યુવાનોને વિદેશ જવું પડે છે તે વિશે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો.
ઘણા લોકોની દલીલ છે કે ભારતમાં રોજગારી વધારવા માટે આપણે ચીનની નકલ કરવી જાેઈએ અને હજારોની સંખ્યામાં કારખાના ખોલીને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન આપવું જાેઈએ. પરંતુ રઘુરામ રાજન આ વાત સાથે સહમત નથી. તેઓ કહે છે કે ચીનનું આંધળું અનુકરણ કરવાના બદલે આપણે સર્વિસ સેક્ટર પર ફોકસ વધારવો જાેઈએ. આ સર્વિસને આપણે વિદેશમાં વેચી શકીએ છીએ.
એક મુલાકાતમાં રઘુરામ રાજને કહ્યું કે ભારતમાં ઈકોનોમિક ગ્રોથ તો થયો છે. પરંતુ તેમાંથી ઘણો બધો ગ્રોથ ‘જાેબલેસ’ છે. અત્યારે જે ગ્રોથ છે તે પણ દેશની વિરાટ વસતીને ધ્યાનમાં લેતા અપૂરતો છે. તેથી હજુ ઘણું કામ બાકી છે. તેમણે કહ્યું કે દેશમાં રોજગારી વધારવા માટેના કોઈ શોર્ટ કટ્સ નથી. આપણે સ્કીલમાં વધારો કરવો પડશે અને આપણા લોકોનો શૈક્ષણિક સ્તર સુધારવો પડશે.
દેશમાં વધતી અસહિષ્ણુતા અંગે પણ રઘુરામ રાજને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ૧૦ વર્ષ અગાઉ ભારતમાં વધારે સહિષ્ણુતા હતી. તે સમયે જે વિચારોને સ્વીકારવામાં આવતા હતા તેને હવે સ્વીકારવામાં નથી આવતા.
આ પ્રસંગે શ્રીલંકાનો મુદ્દો ઉઠાવીને રઘુરામ રાજને કહ્યું કે શ્રીલંકામાં અત્યારની તકલીફ પાછળનું એક કારણ લઘુમતી સાથે થયેલો અન્યાય પણ છે. એક સમયે તેઓ સફળ મિડલ ઈન્કમ ધરાવતો દેશ હતો. પરંતુ હવે આર્થિક રીતે બરબાદ થઈ ગયો છે. શ્રીલંકામાં જ્યારે જાેબલેસ ગ્રોથ થવા લાગ્યો ત્યારે રાજકારણીઓએ તેનો ઉકેલ લાવવાના બદલે લઘુમતી અને બહુમતી વચ્ચે ઝઘડા કરાવ્યા.