રાહુલ ગાંધી ૧૯૮૪ શીખ વિરોધી રમખાણોની જવાબદારી લેવા તૈયાર

વોશિંગ્ટન, લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોની જવાબદારી સ્વીકારવાની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે, તેઓ પક્ષના ઈતિહાસમાં થયેલી ભૂલની જવાબદારી લેવા તૈયાર છે.
આ નિવેદન તેમણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું હતું. રાહુલ ગાંધીને બ્રાઉન યુનિવર્સિટીના વોટ્સન ઈન્સ્ટીટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેર્સમાં આયોજિત એક સેશનમાં શીખ યુવકે ૧૯૮૪ શીખ વિરોધી રમખાણો મુદ્દે તીખા પ્રહારો કરતાં સવાલો પૂછ્યા હતાં.
રાહુલ ગાંધીએ એક સવાલનો જવાબ આપતાં કહ્યું કે, ઘણી બધી ભૂલો ત્યારે થઈ હતી, જ્યારે હું રાજકારણમાં ન હતો. પરંતુ કોંગ્રેસ પક્ષ દ્વારા થયેલી પ્રત્યેક ભૂલોની જવાબદારી સ્વીકારવા તૈયાર છું. હું જાહેરમાં કહી રહ્યો છું કે, ૧૯૮૪માં જે થયું હતું, તે ખોટુ હતું. હું અનેક વખત સુવર્ણ મંદિર જઈ આવ્યો છું, અને શીખ સમુદાય સાથે મારા સારા સંબંધ છે.