૨૦૨૦થી રાહુલ ગાંધીએ ૧૧૩ વાર સુરક્ષા તોડી : સીઆરપીએફ
નવી દિલ્હી, કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે, ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે સીઆરપીએફ તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં સીઆરપીએફએ કહ્યું કે, ૨૦૨૦થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા ૧૧૩ વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં સીઆરપીએફએ કહ્યું કે, રાહુલ ગાંધીની સુરક્ષામાં સમગ્ર પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે અને તેના માપદંડો અનુસાર કોઈ કસર બાકી નથી રહેતી પરંતુ રાહુલ ગાંધી પોતે ઘણી વખત સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી ચુક્યા છે અને લોકોને મળવા માટે બહાર નીકળ્યા છે.
ગૃહ મંત્રાલયે કોંગ્રેસના પત્ર પર સીઆરપીએફ પાસે જવાબ માંગ્યો હતો.
તેના પર સીઆરપીએફએ ગૃહ મંત્રાલયને આપેલા જવાબમાં રાહુલ ગાંધી પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. સીઆરપીએફ દ્વારા જ રાહુલ ગાંધીની સુરક્ષા કરવામાં આવે છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી બુધવારે ગૃહમંત્રી અમિત શાહના નામે એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય મુસાફરોની સુરક્ષામાં ઘણી વખત ચૂક થઈ છે.
કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ભારત જાેડો યાત્રા કરી રહેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂકનો આરોપ લગાવતા કોંગ્રેસે ગૃહમંત્રીને પત્ર લખીને ભારત જાેડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવા અપીલ કરી હતી.