રાહુલ અને સોનિયા ગાંધીને આ કેસમાં હાજર રહેવા કોર્ટની નોટિસ

(એજન્સી)નવી દિલ્હી, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત પીએમએલએ કેસમાં ઇડીની ચાર્જશીટ પર ધ્યાન આપ્યું છે.
કોર્ટે ઈડ્ઢની ચાર્જશીટ સંબંધિત કેસની સુનાવણી માટે આરોપી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકોને નોટિસ જાહેર કરી છે. આ કેસમાં આગામી સુનાવણીની તારીખે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને જે કેસમાં કોર્ટમાં હાજર રહેવાની નોટિસ મળી છે, તે નેશનલ હેરાલ્ડ અખબાર અને તેની મૂળ કંપની એજેએલ એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિઓ પર કેન્દ્રિત છે. આમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને આરોપી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે ૨૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ઈડી ચાર્જશીટની સુનાવણી કરી હતી,
પરંતુ દસ્તાવેજોના અભાવે નોટિસ જાહેર કરી ન હતી. ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ નેશનલ હેરાલ્ડ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૩ અને ૪ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ અને રાહુલ ગાંધીને આરોપી નંબર ૨ બનાવવામાં આવ્યા છે. અન્ય આરોપીઓમાં કોંગ્રેસના નેતાઓ સેમ પિત્રોડા અને સુમન દુબેનો સમાવેશ થાય છે.