રાહુલ ગાંધી સંસદના શિયાળુ સત્રમાં ભાગ નહીં લે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જાેડ યાત્રા છોડશે નહીં, આ યાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ-લક્ષ્યને પૂર્ણ કરશે
નવી દિલ્હી, કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી ભારત જાેડો યાત્રા પર ચાલી રહ્યા છે અને તેના કારણે તેઓ સંસદના આગામી શિયાળુ સત્રમાં ભાગ લે તેવી સંભાવના નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદનું શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરથી શરૂ થઈને ૨૯ ડિસેમ્બર સુધી ચાલી શકે છે.
કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યું છે કે, રાહુલ ગાંધી ભારત જાેડ યાત્રા છોડશે નહીં. આ યાત્રા તેના નિર્ધારિત કાર્યક્રમ અને લક્ષ્યને પૂર્ણ કરશે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા કર્ણાટક, તેલંગાણા બાદ મહારાષ્ટ્ર પહોંચી છે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થનારું સંસદનું સત્ર આ વખતે ગુજરાતની ચૂંટણીને કારણે મોડું શરૂ થશે.
સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જૂના સંસદ ભવનમાં શરૂ થવાની અને મહિનાના અંત સુધી ચાલવાની શક્યતા છે. સંસદના શિયાળુ સત્રમાં રાહુલ ગાંધીની ભાગીદારી અંગે અટકળો ચાલી રહી હતી અને હવે લગભગ સ્પષ્ટ છે કે તેઓ આ સત્રમાં ભાગ લેશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે સત્ર ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં શરૂ થાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧ અને ૫ ડિસેમ્બરે યોજાશે, જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં ૮ ડિસેમ્બરે મતગણતરી થશે.