દહેગામમાં ચાલી રહેલા કતલખાના પર દરોડોઃ ૭પ કિલો ગૌમાંસ જપ્ત
દહેગામના કમાલબંધ વાસણા ગામમાં રહેતા ગ્રામજનોની ભેંસોની ચોરી થતાં મામલો કસાઈઓને ઝડપી લેવાયા
કેનાલમાં ભેંસોના હાડકાં હોજરી સહીતના અવશેષો ફેંકી દીધેલ હાલતમાં જોવા મળ્યા હતા.-બે લોડીંગ રિક્ષા સહિત રૂ.૧.પ૬ લાખનો મુદ્દામાલ જપ્ત
દહેગામ, દહેગામ તાલુકાના કમાલબંધ વાસણાથી ચોરેલી ભેંસોને અવાવરૂ જગ્યાએ હલાલ કરી નજીકની નર્મદા કેનાલમાંથી હોજરી, હાડકાં સહીતના અવશેષો ફેંકી દઈ કસાઈઓ માંસ લઈને ફરાર થઈ ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠયો છે.
ત્યારે દહેગામ પોલીસે બહીયલના ખેતરમાં ચાલતા કતલખાના ઉપર દરોડો પાડી પાંચ જીવતા વાછરડાને બચાવી લઈ ૭પ કિલો ગૌમાંસનો જથ્થો, બે લોડીંગ રિક્ષા સહિત કુલ રૂ.૧.પ૬ લાખનો મુદ્દામાલ સાથે એક કસાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દહેગામ તાલુકાના કમાલબંધ વાસણા ગામમાં રહેતા તખાજી શકરાજી પરમાર, મેલાજી પરમાર, ભરતસિંહ પરમારની ચાર ભેંસો રવિવારે રાત્રિના સમયે અજાણ્યા કસાઈઓ ચોરીને ફરાર થઈ ગયા હતા.
જેના પગલે ગઈકાલે ત્રણેય પશુપાલકો સહીતના ગ્રામજનો ભેંસોની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ગામ પાસેની ઘોડાસર માઈનોર કેનાલના સાયફન પાસેની અવાવરૂ જગ્યાએ લોહીના ખાબોચીયા અને ઠેરઠેર લોહીના ડાઘા જોવા મળ્યા હતા.
વધુ તપાસ કરતા કેનાલમાં ભેંસોના હાડકાં હોજરી સહીતના અવશેષો ફેંકી દીધેલ હાલતમાં જોવા મળ્યા હતા. રાત્રિ દરમ્યાન કસાઈઓએ ભેંસોની ચોરી કરી ઠંડા કલેજે કત્લેઆમ કરી માંસ લઈ ગયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલે દોડી ગયા હતા અને કસાઈઓને ઝડપી પાડવાની ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.
ત્યારે સફાળી દોડતી થયેલી દહેગામ પોલીસે બહીયલ ગામની સીમ ગુજરાત કાંટાની પાછળ આવેલ ખેતરમાં ધમધમતા જાઉદ્દીન ઉર્ફે જાવો ગુલામનબી જાદવના કતલખાના ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જોકે દૂરથી જોઈને જાઉદ્દીન નાસી જવામાં સફળ રહ્યો હતો. જયારે તેના પુત્ર નફીસ જાઉદ્દીન ઉર્ફે જાવો ગુલામનબી જાદવને પોલીસે ઝડપી લીધો હતો.
બાદમાં પોલીસે ખેતરમાં આવેલ ઓરડીમાં તપાસ કરતા એક લટકતો ઈલેકટ્રીક વજન કાંટો તથા માંસ ભરેલ પ્લાસ્ટીકનું પોટલું તથા લાકડાના ડબ્બા, છરીઓ મળી આવી હતી. બાદમાં પોલીસે વધુ તલાશી લેતા ઓરડીની પાછળ ભાગે પતરાની આડાશમાં ગાયના જીવીત પાંચ વાછરડા બાંધેલા મળી આવ્યા હતા જેના પગલે પોલીસે ડીપ ફ્રીઝ, એક ફૂટના ધારદાર છરા, ૭પ કિલો ગૌમાંસનો જથ્થો, બે લોડીંગ રિક્ષા સહીત રૂ.૧.પ૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.