ઉત્તર ભારતમાં ધુમ્મસથી રેલવે- હવાઈ સેવાને અસરઃ ૧૩૪ ફ્લાઈટ લેટ

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસનું રેડ એલર્ટ, ૧૩૪ ફ્લાઈટ લેટઃ મધ્ય પ્રદેશના ૬ શહેરોમાં કરા પડવાની શક્યતા, યુપીના ૫ જિલ્લામાં સ્કૂલો બંધ
નવી દિલ્હી, દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ બાબતે રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગાઢ ધુમ્મસના કારણે રેલવે, માર્ગ અને હવાઈ સેવાને અસર થઈ છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટીને ૦-૫૦ મીટર થઈ ગઈ છે. ૨૮ ડિસેમ્બરે સવારે ૫ઃ૩૦ વાગ્યે સફદરજંગમાં ૫૦ મીટર અને પાલમમાં ૨૫ મીટર વિઝિબિલિટી નોંધાઈ હતી. દિલ્હી એરપોર્ટ પર ૧૩૪ ફ્લાઈટ લેટ પડી હતી. આ સિવાય ૨૨ ટ્રેનો ૮ થી ૧૦ કલાક મોડી દોડી રહી હતી.
બીજી તરફ યુપીના ૩૨ જિલ્લામાં ધુમ્મસનું રેડ એલર્ટ છે. આ શહેરોમાં વિઝિબિલિટી કેટલીક જગ્યાએ શૂન્ય અને અન્ય સ્થળોએ ૫-૧૦ મીટર સુધી પહોંચી ગઈ હતી. ૫ જિલ્લામાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. એમપીના ૬ શહેરોમાં કરા પડવાની સંભાવના છે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, યુપી, રાજસ્થાન અને પંજાબમાં ધુમ્મસના કારણે છેલ્લા બે દિવસમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૪૬ લોકો ઘાયલ થયા હતા.
આઈએમડીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત ૧૪ રાજ્યોમાં ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી ઉપરાંત પંજાબ અને હરિયાણામાં પણ રેડ એલર્ટ છે. પંજાબને અડીને આવેલા હરિયાણાના અંબાલા, પેહોવા, કૈથલ, શાહાબાદ અને ગુહલામાં સવારે ૮ વાગ્યા સુધી વિઝિબિલિટી ૧૦ થી ૫૦ મીટરની હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણામાં ૨૮ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે. ૨૯મી ડિસેમ્બરથી ૩૦મી ડિસેમ્બર સુધી હળવું ધુમ્મસ રહેશે.
મધ્યપ્રદેશના ભોપાલ, ઈન્દોર, જબલપુર, ઉજ્જૈનમાં પણ સ્મોગ જોવા મળ્યું હતું. આઈએમડી અનુસાર, ૩૦ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધી મધ્યપ્રદેશમાં કરા સાથે વરસાદની શક્યતા છે.
કાશ્મીરના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. ગાઢ ધુમ્મસના કારણે શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વિઝિબિલિટી બીજા દિવસે પણ ૫૦ મીટરથી ઓછી રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે અનંતનાગ જિલ્લાના પહેલગામમાં અમરનાથ યાત્રિકો માટે કેમ્પ બનાવવામાં આવ્યા છે. અહીંનું તાપમાન માઈનસ ૫.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે તેના આગલા દિવસે તે માઈનસ ૪.૬ ડિગ્રી સેલ્સિયસ હતું.
દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૩૦ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે. અહીં વિઝિબિલિટી રેન્જ ૫૦ મીટર સુધી રહેવાની ધારણા છે.
યુપીમાં કાનપુર, લખનૌ, મેરઠ, સહારનપુર સહિત ૩૨ શહેરોમાં વિઝિબિલિટી શૂન્ય અને ક્યાંક ૫-૧૦ મીટર સુધી પહોંચી ગઈ છે. હવામાન વિભાગે લખનૌ અને વારાણસી સહિત ૩૨ જિલ્લામાં ધુમ્મસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.બુલંદશહરમાં મેરઠ હાઈવે પર ધુમ્મસના કારણે સવારે ૭ વાગ્યે ૮ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ ન હતી.