ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓના પ્રોજેક્ટોની રેલ્વે મંત્રીએ પ્રગતિની સમીક્ષા કરી

અમદાવાદ, રેલ્વે, માહિતી અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચ, 025ના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ,આણંદ અને દાહોદ રેલ્વે સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું તથા આ સ્થળોએ ચાલી રહેલા વિવિધ રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી.
માનનીય રેલ મંત્રી શ્રી વૈષ્ણવે અમદાવાદ સ્ટેશન પહોંચીને સ્ટેશનનું નિરીક્ષણ કર્યું અને ચાલી રહેલા સ્ટેશનના પુનર્વિકાસના કાર્યો ની સમીક્ષા કરી. ત્યારબાદ, શ્રી વૈષ્ણવે મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. તેમણે જણાવ્યું કે આ વર્ષે ગુજરાત માટે ₹17,155 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે 2009-14 દરમિયાનના સરેરાશ વાર્ષિક ફાળવણી કરતા 29 ગણા વધુ છે. ગુજરાતમાં રેલ્વે દ્વારા કુલ ₹1,27,000 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં બુલેટ ટ્રેન નો પણ સમાવેશ થાય છે.
અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટ અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ડિઝાઇનને ઇન્ફ્રાસ્ટ્રકચર જરૂરિયાતો અને સ્થાનિક વારસાની કિંમતો સાથે સુમેળ સાધીને સૌંદર્ય ની દ્રષ્ટિ સાથે વિકસાવવામાં આવી છે. રેલવે પાટાઓ પર કોન્કોર્સ રૂફ પ્લાઝા બનાવવામાં આવશે, જેમાં મુસાફરો માટે વેઇટિંગ એરિયા અને અન્ય સુવિધાઓ હશે.
આ પ્રોજેક્ટમાં કાલુપુર આરઓબી અને સારંગપુર આરઓબીને જોડતો એલિવેટેડ રોડ બનાવવાની યોજના છે, જે હાલના રસ્તાઓ કરતા બમણો પહોળો હશે જે નેશનલ હાઇ સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને બસ રેપિડ ટ્રાન્સપોર્ટ (BRT) સાથે રેલ્વેને એકીકૃત કરીને વધુ સારી અને સરળ મુસાફરી પ્રદાન કરશે.
જેનાથી મુસાફરી વધુ સરળ બનશે. માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું કે પુનર્વિકાસનું આયોજન આ રીતે કરવામાં આવ્યું છે કે મુસાફરોને ઓછી તકલીફ થાય અને ટ્રેનો રદ થવાની સંભાવના ઓછી રહે. ત્યારબાદ માનનીય રેલ મંત્રી આણંદ માટે રવાના થયા અને અમદાવાદ-આણંદ સેક્શનનું નિરીક્ષણ કર્યું.
માનનીય રેલ્વે મંત્રી શ્રી વૈષ્ણવ આણંદ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાંનું નિરીક્ષણ કર્યું. તેમણે વન સ્ટેશન વન પ્રોડક્ટ (ઓએસઓપી)સ્ટૉલની પણ મુલાકાત લીધી. મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે 2014 પછી ગુજરાતમાં 1000 થી વધુ રેલ ઓવર બ્રિજ (આરઓબી) અને રેલ અંડર બ્રિજ (આરયુબી ) બનાવવામાં આવ્યા છે. તદુપરાંત, 2014 પછી 3,144 કિમી રેલ્વે લાઈનોનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું છે.
કવચનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે. આનાથી વિસ્તારમાં પોર્ટ કનેક્ટિવિટી વધી ગઈ છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં 87 રેલ્વે સ્ટેશનોનું પુનર્વિકાસ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ થઈ રહ્યું છે.
ત્યારબાદ શ્રી વૈષ્ણવએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક નિર્માણ બેઝ (રેલ વેલ્ડિંગ વર્ક)ની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું. ત્યારબાદ, તેમણે આણંદ હાઈ સ્પીડ રેલ (એચએસઆર) સ્ટેશન પર ચાલી રહેલા કાર્યનું નિરીક્ષણ કર્યું. શ્રી વૈષ્ણવે મજૂરો સાથે વાતચીત કરી અને રાષ્ટ્ર નિર્માણ માટે તેમના યોગદાનની પ્રશંસા કરી, તેમજ તેમની સાથે સેલ્ફી પણ લીધી.
રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે સંબંધિત મતવિસ્તારના માનનીય સાંસદો, ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા. આ પ્રસંગે પશ્ચિમ રેલ્વે, એનએચએસઆરસીએલ અને અન્ય રેલ્વે વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.