અંકલેશ્વરના પિરામણ નજીક રેલ્વેનો પાવર સપ્લાય અટકી જતા રેલ વ્યવહાર ખોરવાયો
અજમેર થી બાંદ્રા જતી ટ્રેન બ્રિજ ઉપર જ અટકી ગઈ : નોકરિયાત,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો પ્રભાવિત
આજે વડોદરા-ભરૂચ અને ભરૂચ-સુરત મેમુ રદ
અજમેર-બાંદ્રા, પશ્ચિમ, ગુજરાત, દિલ્હી-બાંદ્રા, સયાજી, અજમેર-બાંદ્રા વિલંબિત.
(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ ૨૫,૦૦૦ વોટનો કેબલ તૂટી પડતા દિલ્હી- અમદાવાદ- મુંબઈનો ટ્રેન વ્યવહાર બે થી ત્રણ કલાકથી ઠપ થઈ ગયો છે.પિરામણ બ્રિજ ઉપર જ પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી હતી.
શુક્રવારે સવારે અંકલેશ્વર અને પાનોલી રેલવે સ્ટેશન વચ્ચે કિલોમીટર નંબર ૩૧૪/૨૫ પાસે રેલવેનો ૨૫,૦૦૦ વોટ ઓવરહેડ કેબલ તૂટી પડ્યો હતો.અમદાવાદ અને મુંબઈની મુખ્ય અપ લાઈનનો ઇલેક્ટ્રિક સપ્લાય સવારે ૯:૧૫ કલાકથી ઠપ થતા ટ્રેન વ્યવહાર અટકી ગયો હતો.ઘટનાની જાણ અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા રેલ્વે ડિવિઝનમાં કરવામાં આવતા દોડધામ મચી ગ હતી.
અજમેર થી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અંકલેશ્વરના પીરામણ ગરનાળાના બ્રિજ ઉપર જ અટકી ગઈ હતી.જ્યારે અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી ૫ ટ્રેનો આ લખાય છે ત્યાં સુધી પ્રભાવીત થઈ હતી.ઓવરહેડ ઈકવપમેન્ટ વાન રેલ્વે એ સ્ટાફ સાથે સ્થળ ઉપર મોકલી તૂટી ગયેલા ૨૫,૦૦૦ વોલ્ટના કેબલને દુરસ્ત કરવાની કામગીરી હાથધરી હતી.ઘટનાને પગલે રેલવે તંત્રે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ – સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.
તૂટી ગયેલો કેબલ દુરસ્ત નહિ થતા અમદાવાદ – મુંબઈનો ટ્રેન વ્યવહાર ભરૂચ – અંકલેશ્વર વચ્ચે ઠપ છે.પાંચ ટ્રેનો વિલંબિત થવા સાથે ૨ મેમુ રદ્દ કરવામાં આવતા નોકરિયાત,પાસ હોલ્ડરો,વિદ્યાર્થીઓ, વેપારીઓ સહિત હજારો મુસાફરો અટવાઈ ગયા છે.જેમને હવે પોતાના સ્થળે કે ફરજે સમયસર પહોંચવા અન્ય વાહનો કે હાઈવેની વાટ પકડવાનો વારો આવ્યો હતો.