Western Times News

Gujarati News

રેલવેના 6798 કરોડના નવા પ્રોજેકટમાં હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતાને અમરાવતી સાથે જોડવામાં આવશે

પ્રતિકાત્મક

૬,૭૯૮ કરોડના ૨ રેલવે પ્રોજેક્ટને કેબીનેટની મંજૂરી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે ગુરુવારે બે મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે ગુરુવારે ૫૭ કિલોમીટર લાંબી અમરાવતી રેલવે લાઇનને મંજૂરી આપી દીધી છે. આ રેલવે લાઇનના નિર્માણમાં ૨૨૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

કેન્દ્રીય કેબિનેટે રૂ. ૬,૭૯૮ કરોડના અંદાજિત ખર્ચ સાથેના બે રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી અને કનેક્ટિવિટી, મુસાફરીમાં સરળતા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, તેલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે ૫ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આંધ્રપ્રદેશમાં રેલવેનું મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત કૃષ્ણા નદી પર ૩.૨ કિલોમીટર લાંબો નવો પુલ બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા જેવા તમામ શહેરોને અમરાવતી સાથે જોડવામાં આવશે.

આ સાથે અમરાવતી સ્તૂપ, કોંડાવલી ગુફાઓ, ઘણા બંદરોને પણ જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ લાખો લોકોને રોજગાર આપશે અને પીએમ મોદીએ પર્યાવરણને ધ્યાનમાં રાખીને તેને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટને મંજૂરી આપીને પીએમએ આંધ્રના લોકોનું એક સ્વપ્ન સાકાર કર્યું છે.

બિહારને મોટી ભેટ આપતા કેબિનેટે ઉત્તર બિહારની મહત્વની રેલવે લાઇનને બમણી કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી પૂર્વ-પશ્ચિમ ચંપારણ, દરભંગા અને મુઝફ્‌ફરપુર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોને ફાયદો થશે. પ્રોજેક્ટમાં ૨૫૬ કિમી લાંબી નરકટિયાંગ, રક્સૌલ, સીતામંડી, દરભંગા, મુઝફ્‌ફરપુર લાઇનને ડબલ કરવામાં આવશે, આ પ્રોજેક્ટમાં લગભગ ૪૦ બ્રિજ બનાવવામાં આવશે જે ઉત્તર બિહાર અને પૂર્વોત્તર રાજ્યોની કનેક્ટિવિટી મજબૂત કરશે, જેના પર ૪૫૫૩ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અવકાશ ક્ષેત્રને મજબૂત કરવા કેબિનેટે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ માટે રૂ. ૧,૦૦૦ કરોડનું વેન્ચર કેપ ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. રેલવે મંત્રીએ કહ્યું કે, પીએમ મોદીએ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ ઈકોનોમીને બદલી નાખી છે. આજે આપણી પાસે ૧૦૦થી વધુ યુનિકોર્ન છે, જે યુરોપિયન યુનિયનના સમૃદ્ધ દેશો કરતા વધુ છે. આપણો દેશ અવકાશ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરે તેવી અપેક્ષા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.