રેલવે હવે ઠંડા પાણીની પરબ માટે સ્વૈચ્છીક સંસ્થાઓને અપીલ કરશે
અમદાવાદ, અમદાવાદ, ગુજરાત સહિત અન્ય રાજયોમાં હાલમાં ઉનાળાની ગરમીના કારણે લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા છે. આ સ્થિતિમાં રેલવેમાં મુસાફરી કરતાં નાગરિકોને ઠંડુ પાણી મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા સૂચના આપવી પડી છે.
મંત્રાલયની સૂચના બાદ હવે દરેક સ્ટેશનો પર મુસાફરોને ઠંડુ પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાનમાં એનજીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓને પાણીની પરબ શરૂ કરવા માટે આગળ આવવા અપિલ કરવામાં આવશે.
રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છતાં મુસાફરો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી તે સ્ટેશન અધિકારીની ફરજ છે. આમછતાં કેટલાક સ્ટેશનો પર ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ મુસાફરોએ ઠંડુ પાણી શોધવા માટે રઝળપાટ કરવો પડતો હતો. અથવા તો સ્ટેશન પર મળતી પાણીની બોટલો પર આધાર રાખવો પડતો હોય છે.
તાજેતરમાં રેલવે મંત્રાલયે ઉનાળાની ગરમીમાં ઉભી થતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને નવેસરથી તમામ સ્ટેશનો પર ઠંડા પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપવી પડી હતી. જેના અનુસંધાનમાં અમદાવાદ રેલવે સ્ટેશન મંડળમાં આવતાં તમામ રેલવે સ્ટેશનો પર ઠંડુપાણી પુરતા જથ્થામાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પાણી ખરેખર પીવા લાયક છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.દરેક પાણીના નળની સફાઇ કરવા ઉપરાંત પાણીની સ્વચ્છતાં માટે કલોરાઇડ આધારિત સફાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ઉપરાંત એનજીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓને સેવાલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત સ્ટેશનો પર પ્યાઉ એટલે કે પાણીની પરબ શરૂ કરવા માટે અપિલ કરવામાં આવશે. ખાસ કરીને સાધારણ શ્રેણીના કોચ પાસે પાણી વિતરણની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.SS1MS