ઉત્તરાયણમાં હવાની નહિં વરસાદની ચિંતા લોકોને રહેશેઃ કમોસમી વરસાદની સંભાવના
ઉત્તરાયણ પર જ કમોસમી વરસાદ પડવાની સંભાવના -રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી
અમદાવાદ, ઉત્તરાયણ નજીક આવે ત્યારે પતંગ રસિયાઓને મોટાભાગે પવનની ગતિ કેવી રીતે રહેશે તેવી ચિંતા સતાવતી હોય છે પરંતુ આ વખતની ઉત્તરાયણ અનેક લોકો માટે નિરાશા લઈને આવે તેવી આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે.
આ આગાહીમાં જણાવાયું છે કે આગામી ૧રથી ૧૮ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થશે અને પતંગ રશિયાઓની મોજ પર પાણી ફરી વળશે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હાલ ભલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીમાં રાહત મળી હોય, પરંતુ આગામી રવિવારથી ઠંડી ફરી એક વખત જોર પકડશે અને કેટલાક વિસ્તારોમાં તો કોલ્ડવેવની અસર પણ વર્તાશે.
હવામાન નિષ્ણાંતોએ તેમની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી તા.પ જાન્યુઆરી, રવિવારથી કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે જે લગભગ બારેક દિવસ એટલે કે ૧પ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં તો લાંબાગાળાના કોલ્ડવેવની પણ શક્યતા છે. આજથી તા.૬ જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝાકળવર્ષા થશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે.
ઝાકળવર્ષા વધુ પ્રમાણમાં થાય તો ઘઉં અને જીરું સહિતના શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂત દ્વારા પાકને પિયત કરવામાં આવ્યું હોય અને ઝાકળવર્ષા થાય તો ઊભો પાક નમી જતો હોય છે અને ખેડૂતને નુકસાન થઈ શકે છે.
સ્થાનિક હવામાન વિભાગના વેધર રિપોર્ટ અનુસાર આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટયું છે. કચ્છનું નલિયા ૯ ડિગ્રી સાથે કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોના લઘુત્તમ તાપમાન પર એક નજર કરીએ તો આજે સવારે અમરેલીમાં ૧પ.૪ ડિગ્રી, વડોદરામાં ૧પ.૮ ડિગ્રી, ભૂજમાં ૧.ર૬ ડિગ્રી, દાહોદમાં પણ ૧ર.૬ ડિગ્રી, ડાંગમાં ૧૬.૩ ડિગ્રી, ડીસામાં ૧ર.૪ ડિગ્રી, દ્વારકામાં ૧૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૪.૬ ડિગ્રી,
જામનગરમાં ૧૬.પ ડિગ્રી, નર્મદામાં ૧૩.૬ ડિગ્રી, ઓખામાં ર૦ ડિગ્રી, પોરબંંદરમાં ૧ર ડિગ્રી, રાજકોટમાં ૧ર.૪ ડિગ્રી, સુરતમાં ૧૮.૪ ડિગ્રી અને વેરાવળમાં ૧૮.ર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં સવારે ૧પ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સપ્તાહમાં શહેરનું લઘુત્તમ તાપમાન મોટાભાગે ૧૪થી ૧પ ડિગ્રી વચ્ચે રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, અમદાવાદમાં પણ રવિવારથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ૧પથી ર૦ કિ.મી. પ્રતિ કલાકની રહી શકે છે.
હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોની ગતિ ૭થી ૧ર કિ.મી. પ્રતિ કલાકની છે. પવનની દિશા પણ પૂર્વ તરફથી હોવાના કારણે શનિવાર સુધી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેÂલ્સયસનલ વધારો નોંધાઈ શકે છે. પરંતુ મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે.