અમદાવાદમાં ઠેર ઠેર વરસાદઃ આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા,વસીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે.
હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યનાં 15 તાલુકાઓમાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. શહેરમાં કાળા ડિબાગ વાદળો સાથે ધોધમાર વરસાદ સુધી પડતા વાહન ચાલકોએ પોતાના વાહનની લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઈઁચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અડધો ઈંચ, કપડવંજમાં અડધો ઈંચ, મહુઆમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં વરસાદ થઈ શકે છે.