ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
અમદાવાદ, શિયાળા પછી અત્યારે અચાનક ચોમાસુ આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તેવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ૨૯ માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠેર ઠેર વરસાદ પડી શકે છે.
ઘણા જિલ્લાઓમાં તોફાની પવન સાથે માવઠું આવે તેવી આગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૦ અને ૨૩ માર્ચ સુધી વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી હતી. જાેકે આ દરમિયાન વરસાદ ખાબકતા ખેડૂતોને મોટુ નુકસાન થયું હતું.
અમદાવાદ શહેરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૪ દિવસમાં ગરમી વધી શકે છે. નોંધનીય છે કે વહેલી સવારથી જ અમદાવાદમાં પવન ફૂંકાતો આવ્યો છે. તેવામાં લોકોને ગત સપ્તાહે ગરમીમાં રાહત મળી હતી. પરંતુ હવે ગરમીમાં વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં ગરમી વધીને ૩૭ અથવા ૩૮ ડિગ્રી આસપાસ જઈ શકે છે. તથા લઘુત્તમ તાપમાન ૨૪ ડિગ્રી થઈ જાય એમ લાગી રહ્યું છે. ૨૯ માર્ચ પછી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેને જાેતા અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. એટલું જ નહીં વાવાઝોડા સાથે પવનો ફુંકાઈ શકે છે.
હવે જાે ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે. અગાઉ ખાબકેલા કમોસમી વરસાદના કારણે શાકભાજીને પણ ઘણુ નુકસાન પહોંચ્યું હતું. જેથી ઓછો જથ્થો મળતા એના ભાવ આસમાને પહોંચી ગયા હતા.