Western Times News

Gujarati News

આ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો

સાઈકલોનિક સરકયુલેશનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરનું લઘુતમ તાપમાન ઉંચકાયું

(એજન્સી)અમદાવાદ, ઉત્તર ગુજરાત નજીક સક્રિય થયેલા સાઈકલોનિક સરક્યુલેશનની અસરથી આજે સવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ઉંચકાયું છે અને વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. સાબરકાંઠામાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાથી ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.

ગાંભોઈ પંથકની આજુબાજુ માવઠું થયું હતું અને ત્યારબાદ વીજળી ગુલ થતાં અંધારપટ છવાયો હતો. અંબાજી અને દાંતા પંથકના વાતાવરણમાં પણ મોટો પલટો જોવા મળ્યો છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા છે અને ગમે તે ઘડીએ માવઠું થાય તેવી સંભાવના છે.

હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, એક સાથે સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈકલોનિક સરકયુલેશનના કારણે રાજ્યના વાતાવરણમાં સતત ફેરફારો થઈ રહ્યા છે. બંગાળ તરફ એક એન્ટી સાઈકલોન બન્યું છે અને આ સંજોગોમાં બંગાળના ઉપસાગરનો ભેજ મધ્યપ્રદેશ સુધી આવી શકે છે. દેશના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે પણ ઠંડા પવનનું જોર વધી શકે છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેકટર એ.કે.દાસે તેમની નવી આગાહીમાં જણાવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. આગામી સાત દિવસ સુધી જો કે, વાતાવરણ મહદઅંશે શુષ્ક રહેવાની સંભાવના છે. હાલ સક્રિય થયેલી સાઈકલોનિક સરકયુલેશન સિસ્ટમના કારણે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

અમદાવાદમાં આજે સવારે ૧૭.૪ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું છે જે સામાન્ય કરતા ચાર ડિગ્રી વધુ છે. ગઈકાલે શહેરમાં ૩૦.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગઈકાલની સરખામણીએ આજે સવારે ઠંડીની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આજે સવારે ૧૭.૩ ડિગ્રી, આંબલી-બોપલ રોડ પર ૧પ.૬ ડિગ્રી ચાંદખેડામાં ૧૮.૧ ડિગ્રી, નવરંગપુરામાં ૧૭.૮ ડિગ્રી, પીરાણામાં ૧૬.૧ ડિગ્રી, રાયખડમાં ૧૭ ડિગ્રી, રખિયાલમાં ૧૭.૩ ડિગ્રી અને સેટેલાઈટ વિસ્તારમાં ૧૭.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે કે એક અઠવાડિયા સુધી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કયાંક કયાંક વરસાદી છાંટા પણ પડશે. ખાસ કરીને સાબરકાંઠા પંચમહાલના કેટલાક વિસ્તારોમાં માવઠું કે કરા પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડા અને ઘઉના પાકને મોટી નુકસાની થવાની સંભાવના હોવાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

સ્થાનિક હવામાન વિભાગના આજે સવારે જારી કરાયેલા વેધર રિપોર્ટ અનુસાર અમરેલીમાં આજે ૧પ.૬ ડિગ્રી, વડોદરામાં ૧૭.૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૭.ર ડિગ્રી, ભૂજમાં ૧પ.૪ ડિગ્રી, દાહોદમાં ૧૪.૩ ડિગ્રી, દમણમાં ૧૬.૬ ડિગ્રી, ડાંગમાં ૧૪ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૬.પ ડિગ્રી, જામનગરમાં ૧પ.૧ ડિગ્રી કંડલામાં ૧૬.૬ ડિગ્રી, નલિયામાં ૯.૬ ડિગ્રી ઓખામાં ર૦.૪ ડિગ્રી, રાજકોટમાં ૧પ.ર ડિગ્રી, સુરતમાં ૧૮.ર ડિગ્રી અને વેરાવળમાં ૧૮.૩ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.