ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદઃ હવે ગરમી સતત વધશે
૩૦ એપ્રિલે અમદાવાદમાં ૪ર ડિગ્રી તાપમાન નોંધાશે
(તસવીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગઈકાલે અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ ગરમી પડતાં શહેરીજનો તોબા પોકારી ગયા હતા. હરિયાળા એવા ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ગઈકાલે ૪૧ ડિગ્રી હતો. જો કે, અચાનક જ હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે અને આજે ફરીથી વાતાવરણ પલટાતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ ઝરમરિયો વરસાદ શરૂ થયો છે.
આજે સવારે ભાવનગર, વાપી, વલસાડ, ગણદેવી, બિલિમોરા, નવસારી, છોટાઉદેપુર, વ્યારા, દાહોદના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સવારે ભાવનગરના વાતાવરણમાં અચાનક જ ફેરફાર થયો હતો અને વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો.
ભાવનગરના મસ્તરામ બાપા મંદિર, ચિત્ર યાર્ડ, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારો તથા શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જો કે, ઝરમરિયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી ત્રાસેલા અને આગાસીમાં સૂઈ રહેલા લોકોની ઊંઘમાં ખલેલ પડી હતી.
દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, ગણદેવી, બિલિમોરા, નવસારી વગેરે વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાઈ ગયો છે. નવસારી જિલ્લાના ગણદેવી, બિલિમોરા સહિતના વિસ્તારોમાં કાળાં ડિબાંગ વાદળો છવાઈ જતાં ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભરઉનાળે વરસાદ થતાં જગતનો તાત ચિંતાતુર થયો છે. જો કે, વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમી અને બફારા સામે રાહત અનુભવી છે.
એક તરફ મોસમે રંગ બદલ્યો છે તો બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. આ હવામાન નિષ્ણાંતો જમાવે છે કે, નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે જેના કારણે ર૮ અને ર૯ એપ્રિલ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રીએ પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતા છે.
આ દરમિયાન અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી ગરમી કાલે નોંધાતા સ્થાનિક હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. આ યલો એલર્ટ આજે પણ જળવાઈ રહેશે. હજુ ચાર દિવસ શહેરમાં ૪૧ ડિગ્રી ગરમી પડશે. જો કે, એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે, ૩૦ એપ્રિલ અમદાવાદીઓ માટે ૪ર ડિગ્રી ગરમી સાથેનો ભારે આકરો દિવસ બનવાનો છે.
ગોધરાથી અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, પંચમહાલ જિલ્લામાં ઉનાળાની શરૂઆત આકરી થઈ છે અને શરૂઆતમાં જ તાપમાનનો પારો વધુ નોંધાયો છે. ત્યારે લોકો ગરમીનાં કારણે અકળાઈ રહ્યા છે અને પરસેવે રેબઝેબ થઈ ગયા છે. ત્યારે આજે ભરઉનાળે અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં વહેલી સવારથી જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના ઘણા વિસ્તારનાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ત્યારે પંચમહાલ સહિત ગોધરા શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં વહેલી સવાર થીજ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો .અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. જ્યારે બીજી બાજુ ઉનાળા પાકને પણ નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
ત્યારે બીજી તરફ લગ્નસરાની મોસમ ચાલી રહી છે ત્યારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદના કારણે લગ્નમાં વિક્ષેપ સર્જાયા હતા. અનેક જગ્યાઓ પર બાંધેલા મંડપો સહિત અન્ય સાદન સામગ્રીઓ પણ પલડી જાવા પામી હતી.
ભરઉનાળે કમોસમી વરસાદ પડતા પંચમહાલ ના ખેડૂતો ચિંતિત વધારો થવા પામ્યો છે. નડિયાદના અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજયની સાથે સાથે ખેડા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. જિલ્લામાં ગતરોજનુ તાપમાન ૪૧ ડીગ્રીએ પહોંચ્યું હતું. ત્યાં ગતરોજથી વાતાવરણમાં આવેલા એકાએક પલટાના કારણે આજે શુક્રવારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો વરસાદના અમી છાંટા પણ વરસતા રોડ રસ્તાઓ ભીના થયા હતા.