Western Times News

Gujarati News

સપ્ટેમ્બર મહિનામાં પણ ધમાકેદાર વરસાદ પડશેઃ ઉત્તર ભારતમાં પૂરની શક્યતા

(એજન્સી)નવી દિલ્હી, ઓેગસ્ટ મહિનામાં ગુજરાતે ભારે વરસાદનો સામનો કર્યો છે અને વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વરસાદના કારણે સારું એવું નુકસાન થયું છે. હવે હવામાન ખાતાની આગાહી છે કે સપ્ટેમ્બરમાં પણ આવો જ વરસાદ પડી શકે છે. જોકે, સપ્ટેમ્બરમાં ઉત્તર ભારતમાં વધુ વરસાદ પડશે. તેથી રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબ જેવા રાજ્યોમાં આ મહિને કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ પેદા થઈ શકે છે.

હવામાના ખાતાએ જણાવ્યું કે ઓગસ્ટના ટ્રેન્ડ પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં પણ જોરદાર વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, રાજસ્થાનમાં ભારે વરસાદ શક્ય છે અને કેટલાક પહાડી વિસ્તારોમાં જમીન ધસી પડે તેવી પણ સંભાવના છે. ઓગસ્ટ મહિનામાં ઘણો વરસાદ પડ્યો હોવા છતાં હજુ પણ ઉત્તર ભારતમાં તાપમાન ઉંચું છે. લા નીનાની અસર આ વખતની સિઝન પર જોવા મળી છે.

સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની શક્યતા જોવામાં આવે છે. શનિવારે ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું કે ઓગસ્ટમાં સામાન્ય કરતા ૧૬ ટકા વધુ વરસાદ પડ્યો હતો. ૨૦૦૧ પછી પાંચમા ક્રમે સૌથી વધુ વરસાદ ઓગસ્ટમાં પડ્યો છે અને ૧૯૦૧ પછી એટલે કે છેલ્લા ૧૨૩ વર્ષમાં ઓગસ્ટ ૨૦૨૪નો વરસાદ ૨૯મા ક્રમે સૌથી વધુ હતો.

જોકે, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં સારો વરસાદ પડવા છતાં તાપમાનમાં કોઈ રાહત નથી મળી. એવરેજ લઘુતમ તાપમાન હજુ પણ ઉંચું છે અને ૧૯૦૧ પછી ચોથા નંબર પર સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે. તેના માટે વરસાદનું વિતરણ પણ જવાબદાર ગણવામાં આવી શકે છે.

ઓગસ્ટ મહિનામાં નોર્થ વેસ્ટ ઈન્ડિયામાં સામાન્ય કરતા ૩૨ ટકા વધુ વરસાદ પડ્યો છે જે ૨૦૦૧ પછી બીજા નંબર પર સૌથી વધુ છે. જ્યારે સાઉથના વિસ્તારમાં સામાન્ય કરતા માત્ર એક ટકા વધુ વરસાદ નોંધાયો છે આખા મહિનાનો હિસાબ કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.