રાજ્યના ચેરાપુંજી ગણાતા ડાંગમાં છેલ્લા ૨૯ વર્ષોમા નોંધાયેલા વરસાદના આંકડા
સૌથી વધુ વરસાદ સને ૧૯૯૪ મા ૪૬૧૩ મી.મી. તથા સૌથી ઓછો વરસાદ સને ૨૦૧૫ મા ૧૩૬૮ નોંધાયો હતો ;
અહેવાલ ; મનોજ ખેંગાર (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૫; ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા છેલ્લા ૨૯ વર્ષો દરમિયાન નોંધાયેલા વરસાદના આ આંકડાઓ, ચોમાસાની ભીની ભીની મોસમમા જિજ્ઞાસુઓ માટે જાણવુ રસપ્રદ રહેશે.
ડાંગ જિલ્લો અરબ સાગરના દક્ષિણ ગુજરાતના વલસાડ, બીલીમોરાના દરિયાકાંઠાથી અંદાજે સો કિલોમીટર દુર પૂર્વમા આવેલો છે. જિલ્લાની ભૌગોલિક રચનાપૂર્વિય ઉચ્ચ પર્વતો, તથા ઉત્તરે સહ્યાદ્રી પર્વતોની ઉચ્ચ હારમાળાઓ વચ્ચે આવેલી છે. સમગ્ર જિલ્લો ગિરિકંદરાઓ અને વાંસ, સાગના ગાઢ જંગલો, વનરાજી વિસ્તાર ધરાવતો, તળ ભૂમિવાળો પ્રદેશ છે. ઘણો ખરો પ્રદેશદરિયાઈ સપાટીથી ૨૦૦ થી ૩૦૦ મીટર ઊંચાઈ ધરાવતો ડુંગરાળ વિસ્તાર છે. સૌથી ઉંચા ડુંગર ઉપર ગિરિમથક સાપુતારા સમુદ્ર તટથી ૮૦૦ મિટરની ઊંચાઈએ આવેલુ છે.
ડાંગ જિલ્લામા સામાન્ય રીતે જુનથી નવેમ્બર માસ દરમિયાન ચોમાસુ રહે છે. રાજ્યમા નોંધાતા સરેરાશ કરતા અહી વધુ વરસાદ પડતો હોવાથી તેને ગુજરાતનુ ચેરાપુંજી પણ કહેવામા આવે છે.
ડાંગની નદીઓ ગિરિકંદરાઓમાંથી પસાર થતી હોવા સાથે અહીના મોટાભાગના ગામો ડુંગરાઓ કે ઉંચી સપાટીની જમીન ઉપર વસેલા હોવાથી, પૂરથી તારાજી થવાની શકયતા નહિવત છે. પરંતુ એકધારો સાંબેલાધાર વરસાદ પડવાનો શરુ થાય તો બે ચાર કલાકમા જ આઠ થી દસ ઇંચ સુધીનો વરસાદ ઝીકાઈ જતો હોય છે. પરિણામે અહીની નદીઓ ગાંડીતુર બની, હેઠવાસના જિલ્લાઓમા પૂરનુ સર્જન કરી વિપત્તિઓ ઊભી કરે છે. જેથી આ જિલ્લાના વહીવટી તંત્રે સતત જાગૃતિ દાખવવી પડતી હોય છે.
હેઠવાસના સુરત, નવસારી, અને વલસાડ જિલ્લાઓમા પહોંચતુ અહીની નદીઓનુ નીર, આ જિલ્લાઓમા વિનાશ નહિ સર્જે તેની તકેદારી રાખવા સાથે, હેઠવાસના જિલ્લાઓ સાથે સતત સંપર્ક જાળવી રાખી, તેમને સાવધ અને સાવચેત રાખવાની કાર્યવાહી કરવાની થાય છે.
જિલ્લાના આંતરિક ભાગોમા પૂરથી ઓછુ નુકશાન થાય છે, પરંતુ અહીની જમીનનુ બંધારણ કાંકરીવાળુ હોવાથી, સતત વરસાદ થતા જમીન પોચી બનવાથી, ઊંચા ઊંચા ડુંગરો ઉપરથી ભેખડો ધસી પડે, મોટી મોટી કાળમીંઢ શીલાઓ ગબડી પડે, તોતિંગ વૃક્ષો જડમુળથી ઉખડી ઉથલી પડે, અને જેને કારણે અવાર નવાર રસ્તાઓ બંધ થઇ જાય, તો સાથે ક્યારેક જાનહાની પણ થતી હોય છે. તો વળી વીજળીના થાંભલાઓ અને વીજ વાયરો ઉપર વૃક્ષ કે તેની ડાળીઓ પડતા વીજ પુરવઠો ખોરવાઈ જવો જેવી ઘટનાઓ સામાન્ય થઇ પડે છે.
આવા ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા છેલ્લા ૨૯ વર્ષોમા નોધાયેલા વરસાદના આંકડાઓ ઉપર એક નજર કરીએ. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા સૌથી વધુ વરસાદ સને ૧૯૯૪ મા ૪૬૧૩ મી.મી. તથા સૌથી ઓછો વરસાદ સને ૨૦૧૫ મા ૧૩૬૮ નોંધાયો હતો.
સને ૧૯૧૩ ; ૩૨૧૧ મી.મી.
સને ૧૯૯૪ ; ૪૬૧૩ મી.મી.
સને ૧૯૯૫ ; ૧૯૨૬ મી.મી.
સને ૧૯૯૬ ; ૨૮૭૭ મી.મી.
સને ૧૯૯૭ ; ૨૯૦૩ મી.મી.
સને ૧૯૯૮ ; ૩૭૭૦ મી.મી.
સને ૧૯૯૯ ; ૩૦૭૦ મી.મી.
સને ૨૦૦૦ ; ૧૪૩૧ મી.મી.
સને ૨૦૦૧ ; ૨૨૦૦ મી.મી.
સને ૨૦૦૨ ; ૨૪૩૮ મી.મી.
સને ૨૦૦૩ ; ૨૧૦૧ મી.મી.
સને ૨૦૦૪ ; ૨૬૪૨ મી.મી.
સને ૨૦૦૫ ; ૩૮૨૫ મી.મી.
સને ૨૦૦૬ ; ૨૬૩૪ મી.મી.
સને ૨૦૦૭ ; ૧૮૬૦ મી.મી.
સને ૨૦૦૮ ; ૨૬૧૧ મી.મી.
સને ૨૦૦૯ ; ૧૪૯૦ મી.મી.
સને ૨૦૧૦ ; ૧૮૧૯ મી.મી.
સને ૨૦૧૧ ; ૧૬૬૨ મી.મી.
સને ૨૦૧૨ ; ૧૬૩૬ મી.મી.
સને ૨૦૧૩ ; ૨૩૯૭ મી.મી.
સને ૨૦૧૪ ; ૧૭૬૪ મી.મી.
સને ૨૦૧૫ ; ૧૩૬૮ મી.મી.
સને ૨૦૧૬ ; ૨૨૦૧ મી.મી.
સને ૨૦૧૭ ; ૧૯૧૩ મી.મી.
સને ૨૦૧૮ ; ૨૨૪૪ મી.મી.
સને ૨૦૧૯ ; ૩૧૮૪ મી.મી.
સને ૨૦૨૦ ; ૧૬૬૪ મી.મી.
સને ૨૦૨૧ ; ૧૭૧૧ મી.મી.
૨૯ વર્ષનો સરેરાશ વરસાદ ; ૨૨૭૯ મી.મી.