Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૧૮૪ તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં

અમદાવાદ, ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો દૌર શરૂ થઇ ગયો છે. ગત ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

જેમાં ૨૭ તાલુકામાં ૧૦૦૦ મી.મીથી વધારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ૫૮ તાલુકામાં ૫૦૦ થી ૧૦૦૦ મી.મી અને ૯૮ તાલુકામાં ૨૫૧ થી ૫૦૦ મી.મી, ૫૭ તાલુકામાં ૧૨૬ થી ૨૫૦, ૧૧ તાલુકામાં ૫૧-૧૨૫ મી.મી વરસાદ નોંધાયો છે.

જ્યારે સૌથી વધુ વરસાદ વલસાડના કપરડામાં ખાબક્યો હતો. જ્યારે સિઝનનો કુલ વરસાદ ૫૯.૮૬ ટકા નોંધાયો છે. જાેકે આગામી ૨૪ કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવી છે.

આ ઉપરાંત મહેસાણાના ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવકમાં વધારો થયો છે. ડેમની હાલની જળ સપાટી ૫૯૬.૬૫ ફૂટ થઈ ગઇ છે. ડેમની ભયજનક જળ સપાટી ૬૨૨ ફૂટ છે. ડેમમાં ઉપરવાસમાં વરસાદી પાણીની આવક ૮૮૮૮ ક્યુસેક નોંધાઇ છે.

જેના લીધે ડેમમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો ૨૮.૭૩% થયો છે. રાહત કમિશનર પી.સ્વરૂપે કહ્યું હતું કે હવામાન વિભાગની આગહી મુજબ આગામી ૨૪ કલાકમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૮.૩૨ ટકા વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ૩૬.૬૨૫ ટકા વધુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૫,૪૧,૭૦૬ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા હાલમાં NDRFની ૧૩ ટીમ અને વિવિધ ૧૬ જિલ્લાઓમાં SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત છે.

રાહત કમિશનરે વધુમાં કહ્યું હતું કે પૂરગ્રસ્ત નવસારી જિલ્લામાં વીજળી, કેશડોલ્સ વિતરણ, પાણી વિતરણ અને રસ્તાઓ શરૂ કરવાની તેમજ પશુ સર્વેની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મકાન સર્વે, સાફ સફાઇ, આરોગ્ય, ગટર સહિતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્વવત કરાશે.

તેમણે કહ્યું હતું કે નવસારી જિલ્લામાં આશ્રયસ્થાનમાં આશરો લઇ રહેલા તમામ નાગરિકો સલામત રીતે સ્વગૃહે પરત ફર્યા છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત તમામ નાગરિકોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લામાં પુનર્વસનની કામગીરીમાં વધુ ઝડપ આવે તે માટે આરોગ્ય, સફાઇ, કૃષિ, મકાન અને ઘરવખરી સહિતના સર્વે માટે અંદાજે કુલ ૧૦૨૬ ટીમો કાર્યરત છે તેમ રાહત કમિશનિી વિગતો આપતાં ઉમેર્યુ હતું. રાહત કમિશનરશ્રીએ સમગ્ર વહીવટી તંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, હવાઇદળ અને સ્થાનિકોના સહયોગથી કરાયેલી બચાવ અને પુનર્વસનની કામગીરીની પ્રશંસા કરી તમામનો આભાર માન્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.