વર્ષાઋતુની ઋતુચર્યા: ચોમાસામાં રોગનો ભોગ ન થવા માટે કાળજી લેવી જરુરી
અધ્યાત્મ જગતમાં બારમાંથી ચાર જાય તો જવાબ શૂન્ય આવે છે કારણ કે ચોમાસાના ચાર મહિના વિશેષ આરાધનાની ઋતુ છે તેમ આયુર્વેદમાં પણ ચોમાસાના ચાર મહિનાને રોગની ઋતુ કહેવામાં આવી છે. જો ઋતુચર્યા બરાબર પાળવામાં આવે તો ચોમાસામાં રોગોથી બચી શકાય છે એટલે જ કહેવાયું છે કે શતમ્ જીવેત્ શરદઃ અર્થાત્ તું 100 શરદ ઋતુ જીવી જા. ભાદરવો અને આસો શરદ ઋતુના આ બે મહિના રોગોત્પાદક કહ્યા છે. એમાં બરાબર જીવતા આવડી જાય તો બાકીના 10 મહિના કોઈ શારીરિક તકલીફ પડતી નથી.
ઋતુ ત્રણ નથી પણ છ છે. હેમંત, શીશીર, ગ્રીષ્મ, વસંત, વર્ષા અને શરદ. મિથુન રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં મૃગશીર્ષ નક્ષત્રના ઠંડા પવનના વાયરાઓ શરુ થઈ જાય છે એટલે હવા સો કવા (રોગ) અને બફા સો નફા એટલે જેટલો પરસેવો વળે તેટલા દોષો શરીરમાંથી બહાર નીકળી જાય છે અને રોગો કાબૂમાં રહે છે. આ ઋતુમાં ત્રણેય દોષો કોપે છે. જો માનવી જાગૃત ન રહે તો 80 પ્રકારના વાયુઓના રોગમાંથી નબળા – દુધળા અને વૃદ્ધ માણસો તો તુરંત રોગનો ભોગ બને છે એટલે ઠંડા પવનના સુસવાટા આવતા હોય એવી જગ્યામાં રહેવું નહીં અને જવું પણ નહીં. ભોજન હંમેશા ગરમ જ ખાવું તેમ જ ઘી-તેલવાળા સ્નિગ્ધ પદાર્થોનું જ સેવન કરવું.
વરસાદ, ભેજ, વાદળાને કારણે સૂર્યની શક્તિ પૂરેપૂરી પ્રાપ્ત થતી ન હોવાથી ઉર્જા, ઉષ્મા, અગ્નિ તત્વ ઓછું મળે છે. તેથી આખા વર્ષમાં વધારે મંદાગ્નિ આ ઋતુમાં થાય છે. ભૂખ લાગતી નથી એટલે કે સૂંઠ, મરી, લીંડીપીપર, તજ, તમાલપત્ર જેવા જઠરાગ્નીને પ્રબળ કરે તેવા દીપન પાચનના પદાર્થો વધારે લેવા જોઈએ. દીપન -પાચનની બધી દવાઓ સામાન્ય રીતે જમ્યા પછી લેવાથી વધારે સારું કાર્ય કરે છે. આ સિવાયની આયુર્વેદિક બધી દવાઓ ભુખ્યા પેટે લેવાથી ફાયદો કરે છે.
પાચનશક્તિ મંદ થવાથી દીપન અને પાચનનું કામ કરતાં ખાટા રસનું સેવન ભરપેટ કરવું જોઈએ. લીંબુનો રસ, ગાયના દૂધની છાાશ, ગાય કે બકરીના દૂધનું દહીં, કોકમ, બીજોરું વગેરે પદાર્થોનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. ખાટો રસ જલ્દીથી પચી જાય છે અને ગળ્યો રસ ધીમે પચે છે જેથી વાયુ કરે છે. તેથી આયુર્વેદમાં વર્ષાઋતુમાં મીઠો અને ખાટો રસ બન્ને સાથે ભેગા કરીને વાપરવાની સલાહ અપાઈ છે.
પાણી બારે માસ વસ્ત્રથી ગાળીને ગરમ કરેલું ઠારેલું જ વાપરવું. આ ઋતુમાં તો ઠંડુ પાણી ન પીવું જોઈએ કેમ કે ભેજ અને વરસાદને કારણે તેમાં સૂક્ષ્મ જંતુઓ પેદા થઈ જતાં હોય છે એટલે ઉકાળેલું પાણી ગાળીને પીવું. વરસાદને કારણે જમીનમાં કચરો ભેગો થવાથી સડીને અનેક પ્રકારના કીટાણુંઓ પેદા થાય છે તેથી ઉઘાડે પગે ચાલવું નહીં. જૈન મુનિઓ તેથી જ ચાર મહિના એક જ જગ્યાએ વર્ષાવાસ કરતાં હોય છે.
આ ઋતુમાં છાણ, દેશી ઘી, કોલસા, કપૂર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી સવાર-સાંજ ધૂપ કરવો ખૂબ જ હિતકારી છે. ધૂપથી વાતાવરણની શુદ્ધિ થાય છે. પૂર્વ દિશાથી શરુ કરીને બધી દિશામાં ફેરવીને પછી છેલ્લે ઈશાન ખૂણામાં ધૂપને ઢોંકવો – રાખવો. ચોમાસામાં ટાઈફોડ, પ્લેગ, વિષમ જવર, કોલેરા, શરદી, ન્યૂમોનિયા વગેરેના બેક્ટેરિયા વાતાવરણમાં હોવાથી સંધ્યા ટાણે વિશેષ કાળજીપૂર્વક ધૂપ કરવો.
ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ન કરવી. પ્રવાસ – પર્યટનો ન આયોજવા. તેમ જ પલળવું જ નહીં. કપડાં ભીંજાયા હોય તો તરત બદલી કરી નાંખવા અને કપડા ભેજવાળા રહે તો તાવ આવવાની શક્યતા રહેતી હોય છે. વર્ષા ઋતુમાં ઉપવાસ, એકાસણા વધારે કરવા. આમ પણ દરેક ધર્મોમાં આ ઋતુમાં જ પર્વો વગેરે આવતા હોવાથી સહજપણે આયંબિલ, એકાસણા, ઉપવાસ થઈ જતાં હોય છે. આત્મકલ્યાણ સાથે બાયપ્રોડક્ટ રુપે તપશ્ચર્યાથી જઠારાગ્નિ પ્રદિપ્ત થાય છે અને શરીર નિરોગી રહે તો અંતરયાત્રા વિશેષ સારી રીતે થઈ શકે છે.
આ ઋતુમાં દિવસે સેવું નહીં કારણ કે દિવસે સુવાથી ત્રિદોષ અને આળસની વૃદ્ધિ થતી હોય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે જમ્યા પછી જે સૂઈ જાય છે તેનું શરીર ભૂંડની જેમ વધે છે. મંદાગ્નિ અને વાયુના વિશેષ પ્રકોપને કારણે શરીર ગારા જેવું, લોચાયુક્ત બની જાય છે તેથી બપોરે જમ્યા પછી ઊંઘ જો આવતી હોય તો બેઠા બેઠા ઉંઘ લઈ લેવી. બે ભીંતના ખૂણા વચ્ચે બેસીને ઊંઘ લેવાથી આમાશય, ફેંફસા, ગળું અને હાંસડીના ઉપરના ભાગના અંગોમાં કફ સ્થિર થઈને પડ્યો રહેતો નથી. આમાશયના નીચેના અંગોમાં હોવાથી જાગ્યા પછી નિંદ્રા, આળસ અને ઘેન રહેતું નથી. તેથી બપોરનું ભોજન પણ હોંશ અને જાગૃતિ રહે તેવું ગોઠવવું. ભારે અને લુખ્ખા (ઘી – તેલ વગરનું) ખોરાક ખાવાને બદલે લઘુ, સ્નિગ્ઘ અને ઉષ્ણ અને તીક્ષ્ણ આહાર ગોઠવવા.
આ ઋતુમાં સૂર્યોદય પહેલાં દોઢેક કલાકે ઊઠી જવું. મોડા સુધી સુવાની ટેવ હશે તો ડાયાબિટિસ, શરદી, એલર્જી, કફ, શ્વાસ, દમ, હૃદય – ફેંપસા, ગળા, નાક, કાન અને સ્મૃતિના રોગો પણ ઘર જમાવશે. હાર્ટની નળીઓ બ્લોક થવાના, સ્મૃતિભ્રંશ, કફ, શીરોરોગ વગેરે મોડા ઉઠવાથી અસહ્ય બને છે. કસરત, તડકો અને મૈથુન વાયુને કોપાવતા હોવાથી વર્જ્ય છે.
જૂના જવ, જૂના ઘઉં અને રાતા ચોખા, ઘી-તેલથી વઘારેલા વાપરી શકાય. ઘી-તેલથી સંસ્કારિત મગનું ઓસામણ પથ્ય છે સ્નેહયુક્ત ઔષધિના ચૂર્ણથી શરીર ચોળવું હિતકારી છે. શરીરે પીઠી ચોળ્યા પછી સ્નાન કરવું, ચંદનના લેપો તથા ફૂલોની કાળા ધારણ કરવાથી વર્ષા ઋતુમાં રોગોથી બચી શકાય છે. લેખક – અતુલકુમાર વ્રજલાલ શાહ