રાજામૌલીએ શૂટિંગનો વીડિયો લીક થતા સેટની સુરક્ષા ત્રણ ગણી કરી

મુંબઈ, એસએસ રાજામૌલી સાથે મહેશ બાબુ ઓરિસ્સાના કોરાપુતમાં શૂટિંગ કરી રહ્યા છે. હાલ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, હાલ આ ફિલ્મને એસએસએમબી૨૯ નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મ એક જંગલ એડવેન્ચર ફિલ્મ છે તે પ્રકારની ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે.
પરંતુ કોઈ કાલાકારો, રાજામૌલી કે ટીમ કોઈ તરફથી આ ફિલ્મ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. છેલ્લાં થોડાં દિવસ પહેલાં આ ફિલ્મના ઓરિસ્સાના સેટ પરથી કેટલાક વીડિયો વાયરલ થયા હતા. તેથી નારાજ એસએસ રાજામૌલીએ હવે સેટ પર સુરક્ષાના ધારા ધોરણો કડક કરી દીધાં છે. સહુથી પહેલાં મહેશબાબુ અને પૃથ્વીરાજ સુકુમારને એક સાથે હૈદ્રાબાદ એરપોર્ટ પરથી શૂટ કરી લેવાયા હતા.
તેનો વીડિયો વાયરલ થયો હતો, આ પહેલાં કોઈ જાણતું નથી કે આ ફિલ્મમાં પૃથ્વીરાજ પણ છે. જોકે, બાદમાં તેમના માતા દ્વારા આ વાત જાહેર કરી દેવાઈ હતી.ત્યાર બાદ કોરાપુતના સેમિલિગુડામાં આવેલી સલામાલી ટેકરીઓ પરથી એક વિશાળ સેટ બની રહ્યો હોવાના વીડિયો વાયરલ થયા હતા. બે વીડિયોમાં શૂટ માટે તૈયાર થતો સેટ દેખાતો હતો. બીજા એક વીડિયોમાં મહેશ બાબુનું શૂટ દેખાતું હતું.
તેનાથી ફિલ્મની ટીમની ચિંતા વધી ગઈ હતી.જોકે, આ વીડિયોથી ઘણા રહસ્યો ખુલી ગયા છે અને તેના કારણે ફિલ્મની ટીમ હવે વીડિયો ફેલાવનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની છે. જેથી આગળ પણ આ પ્રકારની લીક રોકી શકાય.
આ ઉપરાંત સેટ પરથી સુરક્ષા હવે ત્રણગણી વધારી દેવાઈ છે. હવે બાકીના બધાં જ શૂટિંગ શેડ્યુલ માટે આવી ત્રણ સ્તરની સુરક્ષા રહેશે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પણ છે, જાન્યુઆરીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. એક શેડ્યુલ હૈદ્રાબાદમાં થઈ ચૂક્યું છે.SS1MS