રાજસ્થાનના ડુંગરપુરમાં કોરોનાથી ૨૫૫ બાળકો સંક્રમિત, દૌસામાં ૩૪૧

જયપુર: કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી લોકો હેરાન છે. આ પાછળનું મોટું કારણ એ છે કે ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકોને થવાની છે. રાજસ્થાનના બે જિલ્લામાં બાળકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. દૌસા અને ડુંગરપુરમાં બાળકોમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દૌસા અને ડુંગરપુર જિલ્લામાં અત્યારસુધીમાં ૬૦૦થી વધુ બાળકો સંક્રમિત થયાં છે. ઉલ્લેખનીય છે કે ડુંગરપુર ગુજરાતની નજીક આવેલું છે.
રાજસ્થાનમાં કોરોના મહામારીથી બાળકો સંક્રમિત થવા લાગ્યાં છે. ત્રીજી લહેરને લઈને જેવી શક્યતા હતી એવું જ થવા લાગ્યું છે. કોરોનાનું સંક્રમણ હવે બાળકોમાં થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજસ્થાનમાં કોરોનાથી લગભગ ૬૦૦ બાળકો સંક્રમિત થયાં છે.
દૌસામાં સિકરાયના એક ગામમાં બે બાળકીઓ(એકની ઉંમર ૯ વર્ષ છે, બીજીની ઉંમર ૧૦ વર્ષ છે) કોરોનાથી સંક્રમિત થઈ છે. આ બંનેના પિતા કોવિડ પોઝિટિવ હતા, તેમનું નિધન થઈ ચૂક્યું છે, જાેકે એ પછી કોરોનાથી બંને બાળકીઓ સંક્રમિત થઈ છે. આ જ રીતે દૌસામાં એક બે વર્ષનું બાળક કોરોના પોઝિટિવ થયું છે.
સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો એકલા દૌસામાં ૧ મેથી ૨૧ મેની વચ્ચે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૩૪૧ બાળકો કોવિડ પોઝિટિવ થયાં છે, જે સ્થિતિ દૌસાની છે, તેવી જ કંઈક સ્થિતિ ડુંગરપૂરની પણ છે. ડુંગરપુરમાં પણ બાળકો ઝડપથી કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. ડુંગરપુરમાં ૧૨ મેથી લઈને ૨૨ મે સુધીમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ૨૫૫ બાળકો સંક્રમિત થયાં છે.
જાેકે ડુંગરપુરના કલેક્ટર સરેશ કુમાર ઓલા કહી રહ્યા છે કે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ બિલકુલ સામાન્ય છે. બાળકોનાં માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. આ કારણે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. જાેકે તેની સંખ્યા ઓછી છે, જાેકે કલેક્ટરની વાતને સીએમઓએ ફગાવી છે.
ડુંગરપુરના સીએમઓ રાજેશ શર્મા જણાવે છે કે છેલ્લા ૧૦ દિવસમાં અઢીસોથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયાં છે. સારી વાત માત્ર એટલી જ છે કે કોવિડને પગલે કોઈ બાળકના મૃત્યુના સમાચાર નથી. જાેકે ખતરો તો ખતરો જ છે અને કોવિડ એ એવી બીમારી છે કે એ એક વખત કોઈને થઈ ગયા પછી કઈ કહી ન શકાય.
ઉલ્લેખનીય છે કે પહેલેથી દેશના વૈજ્ઞાનિકોએ શક્યતા વ્યક્ત કરી હતી કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે, તેમાં એવી પણ વાત કહેવામાં આવી હતી કે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે. હાલ રાજસ્થાનની સ્થિતિને જાેતાં એવું લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની કદાચ એન્ટ્રી થઈ રહી છે.