Western Times News

Gujarati News

62 મો નેશનલ મેરિટાઈમ ડે : રાજભવન ખાતે મર્ચન્ટ નેવી વીક ફ્લેગ પિનિંગ સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા

ભારતમાં દર વર્ષે તા. 5 એપ્રિલના રોજ નેશનલ મેરીટાઇમ ડે ઉજવવામાં આવે છે. નેશનલ મેરિટાઈમ ડેની ઉજવણી અન્વયે તા.30 માર્ચ થી તા.5 એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ કમ સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ટેક્નિકલ) અને પ્રિન્સિપલ ઓફિસર, મર્કેન્ટાઇલ મરીન વિભાગ, કંડલાના કેપ્ટન સંતોષકુમાર એસ. દારોકરના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળ દ્વારા મીનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પીન કરવામાં આવ્યો હતો

મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણીનો હેતુ ભારતનો દરિયાઈ વારસો અને રાષ્ટ્રના વેપાર અને અર્થતંત્રમાં મર્ચન્ટ નેવીના યોગદાનના મહત્વને દર્શાવવાનો છે. મર્ચન્ટ નેવી ફ્લેગ પિનિંગ સમારોહ એ ખલાસીઓના ગૌરવ, પ્રતિબદ્ધતા અને ભાવનાનું પ્રતીક છે, કે જેઓ સમુદ્રી ઉદ્યોગમાં સતત સેવારત છે. નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી દેશની આઝાદી પછીના છેલ્લા સાત દાયકામાં શિપિંગ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓ પર ગર્વ કરવાની આપણને તક આપે છે.

આ ઉજવણી અંતર્ગત ગત તા.28 માર્ચ 2025ના રોજ કેન્દ્રીય સ્તરે થયેલી ઉજવણીમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મર્ચન્ટ નેવી મિનિએચર ફ્લેગ પિન કરવામાં આવી હતી.

રાજ્યપાલશ્રીને 62માં નેશનલ મેરીટાઇમ ડેની ઉજવણી અંતર્ગત લોકલ કમિટી દ્વારા કરવામાં આવી રહેલી પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત આ વર્ષની નેશનલ મેરીટાઇમ ડે થીમ “સમૃદ્ધ સાગર – વિકસિત ભારત તથા બ્લુ ઇકોનોમી અને હરિત વિકાસ માટે યુવા” પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઇમ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા.

આ અવસરે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઈઓ શ્રી રાજકુમાર બેનીવાલ, દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચીફ એન્જિનિયર શ્રી રવિન્દ્ર રેડ્ડી, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન બી.એન. લાડવા, નોટિકલ સર્વેયર-કમ-ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ટેક્નિકલ) કેપ્ટન હેમંત જરવાલ, નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય શ્રી રાહુલ કુમાર મોદી, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, મુંદ્રાના મરીન ચીફ કેપ્ટન આશિષ સિંઘલ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી મહેશ પૂજ, MSV એસોસિએશન, માંડવીના સેક્રેટરી શ્રી આદમ ધોબી તથા સરદાર પટેલ મેરીટાઇમ એકેડમી, જૂનાગઢના આચાર્ય કેપ્ટન પ્રકાશ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.