Western Times News

Gujarati News

હેસ્ટર બાયો.ના CEO રાજીવ ગાંધી ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન તરીકે નિમાયા

શ્રી રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ફિક્કીમાં સેવા આપવી તથા તેને મજબૂત બનાવવી એક ગૌરવની વાત ઉપરાંત જવાબદારી પણ છે. અત્યારે સમગ્ર વિશ્વ કુતુહલ નજરે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક પાવરહાઉસ હોવાના નાતે ગુજરાત, ભારતના વિકાસને વધુ આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવશે. Rajiv Gandhi appointed as Chairman FICCI Gujarat State Council

સંપત્તિ સર્જકો, ખાસ કરીને યુવા ઉદ્યોગસાહસિકોને મદદ પૂરી પાડવાનો મારો પ્રયાસ રહેશે. ફિક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વિદાય લઈ રહેલા ચેરપર્સન કુ. ગીતા ગોરડિયાએ નિર્ધારિત કરેલા માર્ગે આગળ વધવાનો તથા ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી શુભ્રકાંત પાંડાના નેતૃત્વ હેઠળ ફિક્કીના ઉદ્દેશ્યો માટે કામ કરવાનો પણ મારો પ્રયાસ રહેશે.

11 જુલાઈ, 1962ના રોજ જન્મેલા રાજીવ ગાંધી પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિક છે.

બોમ્બે યુનિવર્સિટીથી બી.કોમ. ગ્રેજ્યુએટ થયેલા શ્રી રાજીવ ગાંધીએ એનિમલ હેલ્થ પ્રોડક્ટ્સના વિતરણ માટે મુંબઈમાં 1985માં પ્રોપરાઈટરી ટ્રેડિંગ કંપની શરૂ કરી હતી જેમાં તેમને એનિમલ હેલ્થ બિઝનેસમાં કોઈ અનુભવ કે જાણકારી નહોતી.

ત્યારબાદ તેમણે પ્રોપરાઈટરી બિઝનેસને અમદાવાદમાં હેસ્ટર બાયોસાયન્સિસના નામ હેઠળ એશિયાની એક જ સ્થળે આવેલી સૌથી મોટી એનિમલ વેક્સિન અને હેલ્થ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપની બનાવી. હાલ હેસ્ટર 500 કર્મચારીઓ સાથેની એક મજબૂત કંપની છે જેણે નાણાંકીય વર્ષ 2021-22માં રૂ. 219.35 કરોડનું ટર્નઓવર તથા રૂ. 39.52 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

હેસ્ટરે બાદમાં અનુક્રમે નેપાળ તથા ટાન્ઝાનિયામાં પ્લાન્ટ્સ સ્થાપીને તેની એનિમલ વેક્સિન ઉત્પાદન કામગીરીને વિસ્તારી હતી.

વર્ષ 2016માં રાજીવને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્વારા આઉટસ્ટેન્ડિંગ આંત્રપ્રિન્યોર ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રાજીવ નીચે જણાવેલી સંસ્થાઓના પણ સભ્ય છેઃ

1.    અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ)ની ગવર્નિંગ કાઉન્સિલ

2.    ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદ

3.    કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર

4.    સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સુરત

5.    ભારત સરકાર દ્વારા પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે રચાયેલી નેશનલ એડવાઈઝરી કમિટિ

રાજીવ ભારતીય સંસ્કૃતિના પ્રખર સમર્થક છે. તેઓ ઈતિહાસ તથા રાજકારણના વિષયો પર ચર્ચા કરવાનું પસંદ કરે છે. તેમના મતે એક નેતાની ભૂમિકા માત્ર અનુયાયીઓની સંખ્યા વધારવા પૂરતી જ નહીં પણ વધુને વધુ નેતાઓ ઊભા કરવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.