Rajkot: ગેમઝોનમાંથી દારૂની બોટલ અને સિગારેટના પેકેટો મળ્યા
રાજકોટ, રાજકોટના ભડકે બળેલા ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૨ લોકોના મોત થયા છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરીને તપાસ આદેશ આપ્યા છે. ત્યારે અગ્નિકાંડ મામલે વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ગેમ ઝોનમાંથી દારુની બોટલો અને સિગારેટના ખાલી પેકેટો મળી આવ્યા છે, જેના કારણે અહીં દારૂની પાર્ટીઓ થતી હોવાની શંકાઓ ઉપજી છે.
તપાસ દરમિયાન ગેમ ઝોનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ ઉપરાંત સિગરેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા છે.
જ્યાં આટલી મોટી ઘટના બની ત્યાંથી દારૂની ખાલી બોટલો અને સિગરેટના પેકેટો મળી આવ્યા બાદ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ ચાલતી હતી?
ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી સહિત કુલ ૬ લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮ અને ૧૧૪ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧૦ જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તે પણ આ મામલે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.