રાજકોટ-અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા મુખ્યમંત્રીએ સ્વાગત જનફરિયાદમાં કરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતો સાંભળીને નિવારણ લાવ્યા
રાજ્ય સ્વાગતમાં મળેલી વિવિધ ૭૩ રજૂઆતોમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેનું સ્થળ પર નિવારણ લાવ્યા હતા.
રાજ્ય સ્વાગતમાં વિવિધ વિભાગોની ૭૩ જેટલી રજૂઆતો આવી હતી તેમાંથી ૬૦ રજૂઆતો વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ સાંભળીને નિવારણની દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. જે ૧૩ રજૂઆતો મુખ્યમંત્રીશ્રી સમક્ષ આવી હતી તેમાં પણ સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ, જિલ્લા અને તાલુકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા પરામર્શ કરીને નિવારણ કરીને આ રજૂઆતોનું નિવારણ લાવવામાં આવ્યું હતુ.
દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આ ગુરુવાર તા.૨૬ ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે રજૂઆતો આવી હતી તેમાં મહેસુલ, પંચાયત, પોલીસ, શહેરી વિકાસ, શિક્ષણ, સહકાર જેવા વિભાગોનો સમાવેશ થયો હતો. પ્રજાજનોની સમસ્યા કે રજૂઆતોને તાત્કાલિક ધ્યાને લઈ તેના નિવારણ માટે પ્રો-એક્ટિવ એપ્રોચ અપનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ–અમદાવાદ સિક્સ લેન યોજનાની સમીક્ષા પણ કરી હતી અને મહેસુલ, માર્ગમકાન તથા ગૃહ વિભાગને બાકીની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યાં હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રીઓ સર્વશ્રી પંકજ જોષી અને એમ.કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, ઓ.એસ.ડી. શ્રી ડી. કે. પારેખ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ જોડાયા હતા.