Western Times News

Gujarati News

રાજકોટમાં ૩૬મી  ગ્લેનમાર્ક સબ જુનિયર ચેમ્પિયનશિપ-૨૦૧૯નો સમાપન સમારોહ

મુખ્યમંત્રીશ્રીએ તરણવીરોને ઇનામોથી પ્રોત્સાહિત કર્યા૩૨ રાજયોના ૧૨૦૦થી વધુ  સ્વિમર્સ-કોચ-મેનેજર્સની સ્પર્ધામાં સહભાગીતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯નું સમાપન કરાવતાં સ્પોર્ટસમેન સ્પીરીટની કવોલિટી વ્યકતિગત અને સામુહિક જીવનમાં કેળવી રાષ્ટ્રભાવનું આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં તેમણે બાળ સ્પર્ધકોને કહયું કે રમત-ગમતમાં હારજીતથી ઉપર ઉઠીને સહભાગી થઇ વ્યક્તિગત અને સમુહજીવનમાં ખેલદિલીના ગુણો જ એક સારા નાગરિક તરીકે તમારૂં ઘડતર કરશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટને આવી રાષ્ટ્રીય સ્પર્ધાના ત્રણ વાર યજમાન બનવાનું ગૌરવ મળ્યુ છે. તેનો હર્ષ વ્ય્કત કરતાં ૩૨ રાજયોના ૧૨૦૦ સ્પર્ધકો સહીત સૌને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવકાર્ય હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સામાન્યતઃ કોઇ પણ ખેલ-રમતની સ્પર્ધામાં પરસેવો પાડીને સિધ્ધિના શિખરે પહોચાતું હોય છે. પરંતુ સ્વિમીંગ એ એક માત્ર એવી રમત છે, જે પાણીની શીતળતાના આનંદ સાથે સિધ્ધિઓ પ્રાપ્ત કરાવે છે.

રાજકોટમાં આયોજીત આ પાંચ દિવસીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓનો દબદબો રહયો છે. આ સ્પર્ધામાં રાજયના ૨૦ બોયઝ અને ૧૭ ગર્લ્સ મળી ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.  આ ખેલાડીઓએ ૬ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૫ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. આર્યન નહેરાએ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવીને નવો કિર્તીમાન પ્રસ્થાપિત કર્યો છે. તેને પણ મુખ્યમંત્રીશ્રીએ વધાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ  ઉમેર્યું કે ગુજરાતના જન-જનમાં રમત-ગમત પ્રત્યે આકર્ષણ જગાવવા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલમહાકુંભના માધ્યમથી ‘‘ખેલે ગુજરાત’’નો મંત્ર આપેલો. ખેલમહાકુંભમાં ૨૦૧૮માં ૩૫ લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી ૨૪ હજાર તો માત્ર સ્વીમીંગના ખેલાડીઓ હતા, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

CM Vijay Rupani presented a momento to Aryan Vijay Nehra in Rajkot.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના બાળકોને શાળા અભ્યાસ દરમ્યાન જ રમત-ગમતની સઘન તાલીમ આપી રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા દરેક તાલુકામાં ‘‘ઇન સ્કુલ’’ યોજના શરૂ કરી છે. તેની ભૂમિકા આપી હતી. પ્રતિભા સંપન્ન ખેલાડીઓની શક્તિને વિશેષ નિખારવા ‘‘શક્તિદૂત’’ યોજના અન્વયે રાજયમાં ૭૫ ખેલાડીઓને ૪ કરોડ ૧૫ લાખની રાશિ અપાઇ છે, તેમ પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘‘શક્તિદૂત’’ યોજનામાં ૧૫ સ્વીમર્સને ૨૫ લાખ રૂપિયા સરકારે આપ્યા છે. આ યોજનાના ૬ ખેલાડીઓ એશિયન ગેમ્સ-૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુકયા છે.

મુખ્યમંત્રીશ્રીએ પાછલા ત્રણ વર્ષમાં નેશનલ સ્કુલ ગેમ્સ, સ્વીમીંગ ફેડરેશનની સ્પર્ધાઓ વગેરેમાં રાજયના ખેલાડીઓએ ૨૨ ગોલ્ડ, ૧૭ સિલ્વર, ૨૧ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેની છણાવટ કરી હતી.   તેમણે રાજકોટની આ સ્પર્ધામાં પસંદગી પામીને બેંગાલુરૂની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જનારા દરેક ખેલાડીને ભારતમાતાને ખેલ પ્રતિયોગીતાઓમાં સફળતાના ઉચ્ચ શિખરે પહોંચાડવાની તમન્ના રાખવા પ્રેરણા આપી હતી.

રાજકોટના શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલી ૩૬મી ગ્લેનમાર્ક સબ જુનીયર અને ૪૬ મી જુનીયર એકવાટિક ચેમ્પીયનશીપ-૨૦૧૯ના સમાપન સમારંભમાં રાજકોટ સ્વિમિંગ એશો.ના પ્રમુખશ્રી ઉમેશભાઇ રાજયગુરૂએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સ્પર્ધમાં આમંત્રિતોનું પુષ્પ ગુચ્છથી સ્વાગત કરાયું હતું. સ્વિમિંગ ફેડરેશન તરફથી મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિચિહન એનાયત કરાયું હતું   સ્વિમીંગ ફેડરેશન ઓફ ઇન્ડીયાના જનરલ  સેક્રટરીશ્રી મોનલ ચોકસીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું

૪૦૦ મીટર ફ્રી  સ્ટાઇલ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે વિજેતા થનાર રાષ્ટ્રીય કક્ષાના ગુજરાતી તરણવીરશ્રી આર્યન નહેરાનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યુ હતું વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે ટ્રોફી  વિતરણ કરાયું હતું ગર્લ્સ અને બોયઝ વિભાગના બેસ્ટ સ્વિમર્સને મુખ્યમંત્રીશ્રીએ ઇનામ વિતરણ કર્યુ હતું

આ કાર્યક્રમમાં મેયરશ્રી  બીનાબેન આચાર્ય, સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, તથા લાખાભાઇ સાગઠીયા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ અંજલીબેન રૂપાણી, ડેપ્યુટી મેયર શ્રી અશ્વીનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનશ્રી ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, અગ્રણીશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, મ્યુની કમિશ્નર શ્રી બંછાનીધી પાની, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કમિશ્નરશ્રી ચેતનભાઇ ગણાત્રા, મહાનગરપાલીકા અધિકારીઓ, દેશના જુદા જુદા ભાગોમાંથી પધારેલા તરવૈયાઓ તથા તેમના કોચ, સ્થાનિક રહીશો વગેરે ઉપસ્થિત રહયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.